રાજકોટના ન્યૂ રિંગ રોડ ઉપર આવેલા એપાર્ટમેન્ટમાં કચરા-પોતાનું કામ કરનારે ગત તા.22-6-2019ના રોજ દિવ્યાંગ બાળક પર થયેલા સૃષ્ટિવિરુદ્ધનું કૃત્યના કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.
રાજકોટના ન્યૂ રિંગ રોડ ઉપર આવેલ એપાર્ટમેન્ટમાં કચરા-પોતાનું કામ કરનાર વિજય શૈલેષ મકવાણા નામના શખસે ફ્લેટમાં મંદબુદ્ધિના બાળક સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતું જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યા બાદ આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળી આવતા પોક્સો અદાલતમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું.
આ કેસમાં પ્રોસિક્યુશન તરફે ફરિયાદીની જુબાની લેવામાં આવેલ અને તેઓની જુબાનીમાં ફરિયાદીએ સોગંદ ઉપર અદાલતમાં એવું જણાવેલ કે, તેઓ ટીચર હોય અને તેઓ સ્કૂલે ગયા હોય ત્યારે કચરા-પોતા કરવા આવેલા આરોપીએ દિવ્યાંગ સગીર વયના દીકરા ઉપર સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરેલું જ્યારે તેઓ સ્કૂલેથી ઘરે આવેલા ત્યારે તેમના પુત્રએ હકીકત જણાવી હતી.
ત્યારબાદ આ કેસમાં પ્રોસિક્યુશન તરફે મંદબુદ્ધિના સગીર બાળકની તેમની ભાષા સમજી શકે તેવા સ્કૂલના આચાર્યની હાજરીમાં જુબાની લેવામાં આવી હતી. ત્યારબાદ આ કેસમાં ડોક્ટર અને તપાસ કરનાર પોલીસ અધિકારીની જુબાની લેવામાં આવી હતી. સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળિયા દ્વારા દલીલ કરવામાં આવેલ કે આરોપી સામે પ્રોસિક્યુશને તેમનો કેસ સાબિત કરેલ છે તેમજ એફએસએલના રિપોર્ટમાં પણ સગીર વયના બાળકની ચડ્ડીમાં આરોપીનું સીમેન જણાઈ આવેલ છે આવા મંદબુદ્ધિના સગીર વયના બાળક પર આવું સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરનાર આરોપીને વધુમાં વધુ સજા કરવી જોઈએ. પોક્સો અદાલતે સરકારી વકીલની દલીલને ધ્યાને લઇ આરોપી વિજય શૈલેષભાઈ મકવાણાને આજીવન સખત કેદની સજા ફરમાવેલ છે અને ભોગ બનનાર સગીર બાળકને રૂપિયા બે લાખનું વળતર કાનૂની સેવા સત્તા મંડળને ચૂકવવા હુકમ કરેલ છે.