હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજે વહેલી સવારે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ક્યાંક ધીમીધારે તો ક્યાંક મુશળધાર વરસાદ વરસ્યો હતો. ભર શિયાળે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજથી 27 નવેમ્બર સુધી એમ ત્રણ દિવસ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જેને લઈને રાજકોટના માર્કેટિંગ યાર્ડના તંત્રએ આજથી ત્રણ દિવસ મરચાં-મગફળીની આવક બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે જૂના માર્કેટિંગ યાર્ડમાં શનિ-રવિ ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારે દક્ષિણ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અનેક ગામોમાં અમી છાંટણા અને ઝરમર વરસાદ વરસ્યો હતો. તો અંકલેશ્વર જિલ્લાના અનેક ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને પગલે ભર શિયાળે જાણે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર વિઝીબીલીટી પણ ઓછી થઈ ગઈ હતી.