સુરત સહિત ગુજરાતના અલગ અલગ શહેરોના બોલેરો પીકઅપ ચોરીના તથા પોલીસ પર ફાયરિંગ કરનાર બિશ્નોઇ ગેંગના મુખ્ય સાગરીતને ઝડપી પાડવામાં 12 વર્ષ બાદ સુરત ક્રાઇમ બ્રાંચને સફળતા મળી છે. 20થી વધુ ગુનામાં નાસતા ફરતા બિશ્નોઇ ગેંગના સાગરીતને પોલીસે તેલંગાણા રાજ્યના ખમ્મામથી ઝડપી પાડ્યો છે. પોલીસથી બચવા આરોપી રાજસ્થાન પોતાનું વતન છોડી તેલંગાણામાં ફર્નિચરનો વ્યવસાય કરતો હતો. પોલીસે તેને પકડવા સ્થાનિક બિઝનેસમેન જેવો વેશ ધારણ કર્યો હતો અને બંગલો ભાડે લઇ તેમાં કામ કરાવવાના બહાને આરોપી સુધી પહોંચ્યા હતા. પકડાયેલા આરોપીની ગેંગ ગુજરાતમાં બોલેરો પીકઅપની ચોરી કરી તેમાં દારૂ સહિત નશીલા પદાર્થોની હેરાફેરી કરતા હતા. ભૂતકાળમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચના પોલીસ અધિકારીઓ પર ફાયરિંગ પણ કર્યું હતું.
ગુજરાતના અલગ અલગ શહેરોમાં બોલેરો પીકઅપ, આઇસર જેવા મોટા વાહનોની ચોરી કરતી આંતરરાજ્ય બિશ્નોઇ ગેંગનો મુખ્ય આરોપી રમેશ પ્રભુરામ બિશ્નોઇ ગુજરાતમાં ઘણા બધા ગુનામાં વોન્ટેડ હતો. એટલું જ નહીં સરુતમાં પણ ચોરીના અનેક ગુનાઓમાં છેલ્લા 12 વર્ષથી પોલીસ ચોપડે નાસતો ફરતો હતો. પોલીસ અવારનવાર તેને પકડવા તેના વતન રાજસ્થાન તપાસ કરવા પહોંચી હતી. પરંતુ તે ત્યાં મળી આવતો ન હતો. જો કે, સુરત ક્રાઇમ બ્રાંચ પોલીસે 12 વર્ષ બાદ બિશ્નોઇ ગેંગના આરોપી રમેશ બિશ્નોઇને તેલંગાણાથી આખરે ઝડપી પાડવામાં સફળતા મળી છે.