દરગાહ ડીમોલેશન બાદ લોકોના ટોળા રોડ પર ઉતરી જતા પોલીસે ટિયરગેસ છોડ્યા હતા જેથી કીર્તિમંદિર, ઉદ્યોગનગર, રાણાવાવ, કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 144 કલમ લાગુ કરી હતી બાદ સ્થિતિ નિયંત્રણમાં હોવાથી 144 ની કલમ રદ કરાઇ છે, પરંતુ સ્થિતિ હજુ નાજુક છે. 125 લોકો સામે નામજોગ અને 1000 લોકોના ટોળા સામે ગુન્હો નોંધાયો છે. બહારના જિલ્લામાંથી પોલીસ કાફલો તૈનાત કરી શિફ્ટ વાઈઝ રાઉન્ડ ધ કલોક કામગીરી કરવામાં આવી છે.
પોરબંદર જિલ્લાના અમુક વિસ્તારોમાંથી ગેરકાયદેસર દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવેલ જે અન્વયે અમુક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન તેમજ ટોળાઓ રસ્તા પર નીકળી આવ્યા હતા. જેથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા માટે પોલીસે ટીયરગેસ જેવા હથિયારનો ઉપયોગ કરવાની ફરજ પડેલ હતી અને ભારેલા અગ્નિ જેવી સ્થિતી હોય અને હજુ પણ ટોળાઓ ભેગા થઈ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી જોખમાય તેવી પુરેપુરી શકયતા હોય જેથી કિર્તીમંદિર, ઉધોગનગર, કુતિયાણા, રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારને લાગુ પડતુ જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત આવતા તા. 4/10 થી કિર્તીમંદિર, ઉધોગનગર, કુતિયાણા, રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 થી વધારે વ્યકિતઓએ એક સાથે એકઠા થવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ હતો.