વર્ષ 2021ના ઉનાળા દરમિયાન મિસીસિપી નદીના કિનારે વસેલા જેક્સન શહેરની નજીક દોઢ લાખ લોકોના ઘરોમાં પાણીની ગંભીર અછત સર્જાઇ હતી. ત્યાં સુધી કે સ્નાન કરવા અથવા બાથરૂમ માટે પણ પાણી વધ્યું ન હતું. લોકોને જંગલોમાં ટૉયલેટ જવા પર મજબૂર થવું પડ્યું હતું. બિઝનેસ ઠપ થઇ ગયા અને મિસિસિપી રાજ્યની રાજધાની અસ્તવ્યસ્ત થઇ ગઇ હતી.
આગામી વર્ષે ફરીથી ઉનાળામાં આ જ સ્થિતિનું પુનરાવર્તન થયું હતું. એક તરફ સામાન્ય જનતા આ જળસંકટ માટે સ્થાનિક નેતાઓને જવાબદાર ઠેરવી રહી હતી અને બીજી તરફ નેતા અને અધિકારીઓ એકબીજા વિરુદ્ધ આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા હતા. તેમનું કહેવું હતું કે નિગમના અધિકારીઓ ખરાબ પાઇપ બદલવાની જરૂરિયાતને નજરઅંદાજ કરી રહ્યા હતા અને ગ્રાહકો પાસેથી ટેક્સની વસૂલાત કરી શક્યા ન હતા.
અધિકારીઓએ તેના માટે જેક્સનની ઘટતી વસતી અને કમાણીને જવાબદાર ઠેરવી હતી. પરંતુ તેના માટે મલ્ટિનેશનલ કંપની પણ જવાબદાર હતી. જર્મન કંપની સિમેન્સે 2010માં અધિકારીઓને વચન આપ્યું હતું કે તેઓ પૂરા શહેરમાં મોડર્ન સ્માર્ટ મીટર લગાડશે. તેનાથી ટેક્સની વસૂલાત સરળ થશે અને આવક પણ વધશે. પરંતુ આ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો હતો. મીટરો નિષ્ક્રીય રહેવાને કારણે મોટા પાયે પાણીના ટેક્સની વસૂલાત થઇ શકી ન હતી. જેક્સનના અધિકારીઓએ સિમેન્સ વિરુદ્ધ કેસ પણ કર્યો હતો. સિમેન્સે પ્રોજેક્ટ માટે મળેલા અંદાજે 748 કરોડ રૂપિયા પર પરત કર્યા હતા. પરંતુ જેક્સન શહેરને તેનાથી 5 ગણું એટલે કે અંદાજે 3,738 કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડ્યું હતું.
આવું માત્ર જેક્સન શહેર સાથે નથી થયું. લગભગ એક દાયકા સુધી, સીમેન્સ ઉપરાંત મિસિસિપીની જ કંપની મેકનીલ રોડ્સ અને ઉત્તરી કેરોલિનાની વોટર મીટર કંપની મ્યૂએલરે સમગ્ર રાજ્યમાં કરોડો ડૉલરની ડીલ સાઇન કરી છે. આ કંપનીઓના સેલ્સમેને શહેર શહેર જઇને તે અધિકારીઓને લાલચ આપી હતી. તેમણે કહ્યું કે આ સ્માર્ટ મીટર કરદાતાઓ માટે ફ્રી લગાવી શકાય છે. તેઓએ કેશબેકની ગેરંટી રજૂ કરી હતી.