લક્ઝરીનો આનંદ માણવા માગતા હોવ તો લક્ઝરી હોટલ એ આખી દુનિયાના ધનિકોની પ્રાથમિકતા છે. તેનું મુખ્ય કારણ એ છે કે આવી વૈભવી હોટલોમાં તમારી મોટા ભાગની ફરમાઈશ બોલતા પહેલાં જ પૂરી થઈ જાય છે. જો કંઈ બાકી રહી જાય તો માત્ર તમારે તેનું નામ જ લેવાનું હોય છે. હોટલમાં તહેનાત સ્ટાફ ખાસ કરીને વેઈટરની નોકરીની પ્રથમ શરત મહેમાનોની ફરમાઈશ પૂરી કરવાની છે.
દુનિયાભરની મોટી વૈભવી હોટલો ગેસ્ટ આવે તે પહેલાં જ તેમની કાળજી લેવાનું શરૂ કરી દે છે. તેમને જરૂરી તમામ વસ્તુઓ સ્ટોરમાંથી અગાઉથી મગાવવામાં આવે છે. સ્ટાફ ડેટા માઈનિંગ પણ કરે છે. જો તમે સોશિયલ મીડિયા પર ગાર્ડનિંગ માટે તમારી પસંદ વ્યક્ત કરી છે તો તમને તેનું પુસ્તક હોટલમાં સ્ટડી ટેબલ પર રાખવામાં આવશે.
તમારી આદતોને નોટ કરે છે... વેઈટરો દરેક વસ્તુની નોંધ લેતાં હોય છે. જો તમે રૂમમાં રાખેલા ચોકલેટ બોનબોન્સને સ્પર્શ ન કર્યો હોય તો બીજા દિવસે તમને ત્યાં રાખેલી ચીઝ કેક જોવા મળશે. જો તમે એકલા પ્રવાસી છો તો ટીમ નોંધ કરશે કે તમે બેડની કઈ બાજુ સૂતા હશો. આગલી સાંજે ટેબલ એ જ દિશામાં ગોઠવાશે. જો તમે તમારા ડાબા હાથથી ખાઓ છો તો ખુરશી ટેબલના ડાબા ખૂણા પર મૂકવામાં આવશે નહીં, જેથી તમારી કોણી કોઈ વસ્તુ સાથે અડકે નહીં.
તમામ ફરમાઈશ પૂરી કરાય છે... એક સુપરયાટ પર કામ કરી ચૂકેલી રોસલી સુકર હસીને જણાવે છે કે તેમને ત્યાં રોકાયેલા એક પોપસ્ટારે ગુલાબી ટોઈલેટ પેપર માગ્યું હતું, તો તેની પણ વ્યવસ્થા કરી આપી હતી. ઘણી વખત ગેસ્ટ માટે ક્રિકેટ કે ફૂટબોલ મેચની ટિકિટોની પણ વ્યવસ્થા કરવી પડતી હોય છે.