ભારતે માનવાધિકાર ઉલ્લંઘન અંગે અમેરિકા દ્વારા જારી કરાયેલા અહેવાલને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. જેમાં અમેરિકાએ મણિપુરમાં થયેલી હિંસાનો ઉલ્લેખ કરી દાવો કર્યો હતો કે ત્યાં માનવ અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.
ભારતે 80 પાનાના આ રિપોર્ટને ખોટો અને ભેદભાવપૂર્ણ ગણાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગુરુવારે (25 એપ્રિલ) કહ્યું કે રિપોર્ટ દર્શાવે છે કે ભારતને લઈને અમેરિકાની સમજ યોગ્ય નથી.
સાપ્તાહિક બ્રીફિંગમાં અમેરિકી રિપોર્ટ પર પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, "અમે આ રિપોર્ટને કોઈ મહત્વ આપતા નથી અને તમારે પણ તે જ કરવું જોઈએ."
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને 22 એપ્રિલે વિવિધ દેશોમાં માનવાધિકાર કાયદાના પાલનની સ્થિતિ પર એક અહેવાલ બહાર પાડ્યો હતો. રિપોર્ટમાં ચીનની સાથે બ્રાઝિલ, બેલારુસ, મ્યાનમાર, ભારતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જેમાં ભારતને લઇને દાવો કર્યો હતો કે મણિપુરમાં મેૈતેઈ અને કુકી સમુદાયોમાં જાતિય હિંસા ફેલાયા બાદ માનવ અધિકારોનું ઉલ્લંઘન થયું છે. 3 મે અને 15 નવેમ્બરની વચ્ચે ઓછામાં ઓછા 175 લોકો માર્યા ગયા અને 60,000થી વધુ લોકો વિસ્થાપિત થયા. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે ભારતમાં સરમુખત્યારશાહી વધી છે.
અમેરિકાના માનવાધિકાર રિપોર્ટમાં ભારતમાં રહેતા મુસ્લિમોને લઈને પણ ઘણા દાવા કરવામાં આવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતની ભાજપ સરકાર ભારતમાં મુસ્લિમો સાથે ભેદભાવ કરી રહી છે. ભારતમાં લઘુમતીઓ પર હુમલા વધ્યા છે.