ભારતે સાઉથ આફ્રિકા પ્રવાસની વન-ડે સિરીઝ 2-1થી જીતી લીધી છે. ટીમે ત્રીજી અને નિર્ણાયક મેચમાં યજમાન ટીમને 78 રને પરાજય આપ્યો હતો. આફ્રિકાની ધરતી પર ટીમ ઈન્ડિયાએ જીતેલી આ બીજી વન-ડે સિરીઝ છે. આ પહેલાં 2018માં ટીમ ઈન્ડિયાએ વિરાટ કોહલીની આગેવાનીમાં પહેલીવાર વન-ડે સીરીઝ જીતી હતી. હવે ભારતીય ટીમ 26 ડિસેમ્બરથી 2 ટેસ્ટ મેચની સિરીઝ રમશે. ટીમ ઈન્ડિયા ત્યાં અત્યાર સુધી ટેસ્ટ સિરીઝ જીતી શકી નથી.
પાર્લના બોલેન્ડ પાર્ક સ્ટેડિયમમાં ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 8 વિકેટે 296 રન બનાવ્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 45.2 ઓવરમાં 218 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા માટે સંજુ સેમસને 108 રનની સદીની ઇનિંગ રમી હતી, જ્યારે અર્શદીપ સિંહે 4 વિકેટ ઝડપી હતી.
દક્ષિણ આફ્રિકાએ મિડલ ઓવરોની શરૂઆતમાં સારી બેટિંગ કરી હતી, પરંતુ બાદમાં સતત વિકેટો ગુમાવી હતી. અક્ષર પટેલે 15મી ઓવરમાં રાસી વાન ડેર ડ્યુસેનની વિકેટ લીધી હતી. અહીં માર્કરમ અને જ્યોર્જીની અડધી સદીની ભાગીદારીએ બાજી સંભાળી હતી. આ ભાગીદારીને વોશિંગ્ટન સુંદરે 26મી ઓવરમાં તોડી હતી. અહીંથી ભારતીય બોલરોએ વિકેટ લેવાનું ચાલુ રાખ્યું હતું. 30મી, 33મી અને 34મી ઓવરમાં વિકેટો લેવામાં આવી અને મેચ દક્ષિણ આફ્રિકા માટે મુશ્કેલ બની ગઈ. 30 ઓવરમાં દક્ષિણ આફ્રિકાએ 6 વિકેટ ગુમાવીને 136 રન બનાવ્યા હતા.
દક્ષિણ આફ્રિકાના ઓપનર ટોની ડી જ્યોર્જીએ પોતાની ODI કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારી. તેણે કુલ 81 રનની ઇનિંગ્સ રમી હતી.