દેશમાં સંપત્તિની માલિકીમાં મહિલાઓ પ્રત્યે ભેદભાવમાં હજુપણ ઘટાડો થયો નથી. નેશનલ સ્ટેટિસ્ટીક ઑફિસ દ્વારા જારી ઑલ ઇન્ડિયા ડેટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સરવે(એઆઇડીઆઇએસ)ના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે દેશની સંપત્તિમાં મહિલાઓની માલિકી માત્ર 5.5 ટકા છે. અગાઉ નેશનલ ફેમિલી હેલ્થ સરવે (એનએફએચએસ)ના લેટેસ્ટ આંકડામાં સંપત્તિમાં મહિલાઓની માલિકી 31.7 ટકા દર્શાવવામાં આવી હતી. એટલે કે બન્ને સરવેના આંકડાઓમાં 6 ગણાથી વધારેનું અંતર છે. જેમ કે એનએસઓના ડેટા અનુસાર ગુજરાતમાં માત્ર 3.2 ટકા મહિલાઓ જમીનની માલિકી ધરાવે છે જ્યારે એનએફએચએસ અનુસાર રાજ્યમાં 34.9 ટકા મહિલાઓ જમીનની માલિક છે.
ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલીમાં ‘ભારતમાં મહિલાઓની જમીનની માલિકીની સ્થિતિ’ અંગેનો અહેવાલ પ્રકાશિત થયો છે. જેમાં બન્ને સરવેના અંદાજની સરખામણી કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર આ તફાવત માટે ઘણા કારણો જવાબદાર છે. બન્ને સરવેમાં અલગ-અલગ રીતે ડેટા એકત્ર કરવામાં આવ્યો છે.
એનએફએચએસ-55 માટે ડેટા એકત્રિત કરવાનું કામ ખાનગી એજન્સીઓને સોંપવામાં આવ્યું હતું. આ આંકડા મહિલાઓ સાથેની વાતચીત પર આધારિત હતા. બીજી તરફ, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ) એ જાતે ડેટા એકત્રિત કર્યો છે. તેમનો રિપોર્ટ ઘરના વડા (પુરુષ) એ આપેલા પ્રશ્નોના જવાબ પર આધારિત છે. રસપ્રદ વાત એ છે કે બંને સરવેના ડેટામાં પુરુષોના કેસમાં બહુ ફરક નથી. એનએફએચએસ ડેટા અનુસાર દેશમાં 15 થી 54 વર્ષની વયના 43.9% પુરુષો મિલકતના માલિક છે. જ્યારે એઆઇડીઆઇએસમાં આ આંકડો 36.1% સામે આવ્યો છે.