નાણાવર્ષ 2023માં રૂ.9 લાખ કરોડનું દેશનું લોજિસ્ટિક્સ માર્કેટ નાણાવર્ષ 2028 સુધીમાં વધીને રૂ.13.4 લાખ કરોડ પર પહોંચવાનો અંદાજ છે, જેમાં વાર્ષિક 8-9%નો વૃદ્ધિદર જોવા મળી શકે છે. અત્યાધુનિક ટેક્નોલોજી અને લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા માટે સરકારી પહેલને કારણે આ ગ્રોથ નોંધાયો છે.
સપ્ટેમ્બર 2022માં રજૂ થયેલી નેશનલ લોજિસ્ટિક્સ પોલિસીનું લક્ષ્ય દેશના લોજિસ્ટિક્સ સેક્ટરની તસવીરને બદલવાનો છે. આ પોલિસીમાં સમર્પિત ફ્રેઇટ કોરિડોર્સના વિકાસ દ્વારા રેલવેનો માલ-પરિવહનમાં હિસ્સો વધારવાનું લક્ષ્ય છે, જેનાથી રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો અને વોટરવેમાં વિસ્તરણ સામેલ છે. DFCની શરૂઆત, જેનું કામ લગભગ 96% પૂરું થઇ ચૂક્યું છે, તેનાથી રેલવે ફ્રેઇટની ક્ષમતા અને કાર્યક્ષમતામાં વધારો થશે, જેનાથી એકંદરે મોડલ મિક્સમાં હિસ્સો વધશે.
સરકાર દ્વારા બંદરોના ખાનગીકરણની પહેલને કારણે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થયો છે તેમજ ભારતીય બંદર ખાતે ક્ષમતા પણ સુધરી છે, જેને કારણે અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ અને જેએસડબલ્યુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી કંપનીઓને ફાયદો થઇ રહ્યો છે. જીડીપીની ટકાવારી તરીકે દેશનો લોજિસ્ટિક્સ ખર્ચ અત્યારે 14% છે, જે વિકસિત દેશોની 8-9%ની રેન્જ કરતાં નોંધપાત્ર રીતે વધુ છે.
આ વધેલા ખર્ચમાં સ્ક્યૂડ મોડલ મિક્સનો 71% જેટલો ફાળો છે. તેની તુલનામાં, રેલવે અને વોટરવેનો લોજિસ્ટિક્સના ચાર્ટમાં ખૂબ જ ઓછો હિસ્સો છે. આ બિનકાર્યક્ષમતાના ઉકેલ તરીકે સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જેવી પહેલોનું અમલીકરણ કર્યું છે.