મુસાફરોની સંખ્યા વધુ રહેવાને કારણે રાજકોટ-અમદાવાદ વચ્ચે સાંજે વંદે ભારત હમસફર ટ્રેન શરૂ કરવા માગણી ઊઠી છે. આ સિવાય રાજકોટથી દિલ્હી માટે રોજિંદી સવારની બે ફ્લાઇટ અને મુંબઈથી રિટર્ન માટે સાંજની 8.30થી 10.30 વચ્ચે રોજિંદી ફ્લાઇટ શરૂ કરવા માગણી ઊઠી છે. આ અંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી છે. વધુમાં ચેમ્બરે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, જામનગર-બાંદ્રા સપ્તાહમાં સોમવાર, ગુરુવાર અને શનિવારે એમ ત્રણ વખત ચાલે છે. પરંતુ આ રૂટમાં મુસાફરોની સંખ્યા વધારે હોવાથી આ ટ્રેન કાયમી શરૂ કરવી જોઈએ. અત્યારે ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે. જેને કારણે ધાર્મિક અને ફરવા લાયક સ્થળોએ જતા યાત્રિકોની સંખ્યા સામાન્ય દિવસ કરતા વધારે હોય છે. દ્વારકા, અયોધ્યા ધાર્મિક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા શહેરો હોવાથી ઓખા- અયોધ્યા- ઓખા વાયા મથુરા સપ્તાહમાં બે વખત ન્યૂ સુપર ફાસ્ટ ટ્રેન શરૂ કરવી જોઈએ. અગાઉ અમદાવાદ- પુના ટ્રેનને રાજકોટ સુધી લંબાવવા માટેની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હજુ ટ્રેન શરૂ થઈ નથી. રાજકોટ- પુના બન્ને શહેરો ઓટોપાર્ટસ મેન્યુફેક્ચરિંગ માટેના હબ છે. ત્યારે આ ટ્રેનને રાજકોટ સુધી લંબાવવી જરૂરી છે. આ સિવાય ઔદ્યોગિક સુવિધા અને રાજકોટમાં સંપૂર્ણ સુવિધાવાળી 200 બેડની ઈએસઆઈસી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા પણ અંતમાં જણાવ્યું હતું.