ગુજરાત સરકાર દ્વારા દિવાળી વેકેશન બાદ ડિસેમ્બરમાં બે તબક્કામાં તમામ સરકારી અને ખાનગી શાળાઓના શિક્ષકોને હાર્ટએટેક પ્રિવેન્શનના ધોરણે સીપીઆર ટ્રેનિંગ આપશે. જેથી જો કોઈ શાળામાં ઈમર્જન્સી બને તો વિદ્યાર્થીનો જીવ બચાવી શકાય. ગુજરાત સહિત દેશભરમાં ચારેક મહિના કરતા વધુ સમયથી હાર્ટએટેકથી મૃત્યુ થવાના કિસ્સા વધી રહ્યા છે. આ કિસ્સાઓમાં હવે નાના બાળકો પણ બાકાત નથી. ત્યારે હવે રાજ્ય સરકારે શાળાઓના શિક્ષકો તથા કોલેજોના પ્રાધ્યાપકોને પણ હૃદયરોગના હુમલા સમયે તાકીદની સારવાર તરીકે સીપીઆર તાલીમ અપાશે. જેમાં આશરે 20 હજાર સ્કૂલના 1.50 લાખ શિક્ષક અને 471 કોલેજના પ્રાધ્યાપકો સહિત કુલ પોણા બે લાખ ટીચર્સને આ પ્રકારે તાલીમ અપાશે જેથી ઈમર્જન્સી સમયે તેનાથી જીવન બચાવી શકાય.
આ પગલું ભરવા પાછળ રાજ્ય સરકારનો આશય છે કે, જ્યારે પણ શાળા કે કોલેજમાં કોઈ વિદ્યાર્થીને હાર્ટએટેક સંબંધી કોઈ ઇમર્જન્સીની સ્થિતિ આવી જાય તો પ્રાથમિક તબક્કે જે તે દર્દીને સરળતાથી સારવાર મળી રહે અને વિદ્યાર્થીનો જીવ બચાવી શકાય. વિદ્યાર્થીઓમાં પણ હવે હાર્ટએટેક આવવાની ઘટના જે રીતે સામે આવી રહી છે ત્યારે સરકારી શાળાના તમામ શિક્ષકોને આગામી ડિસેમ્બર માસમાં જ સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવશે.
આ ટ્રેનિંગ રવિવારના દિવસે ખાસ યોજવામાં આવશે. રાજ્યમાં આવેલી 20 હજાર કરતાં વધારે પ્રાથમિક શાળાના શિક્ષકોને આરોગ્ય વિભાગની ટીમ સાથે રાખીને સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવશે. બે તબક્કામાં આ ટ્રેનિંગ આપવામાં આવશે. ટ્રેનિંગ માટે ડિસેમ્બર મહિનાની 3 અને 17 તારીખની પ્રાથમિક તબક્કે પસંદગી કરવામાં આવી છે.