Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શાપર-વેરાવળમાં આવેલા ગોડાઉનમાં જિલ્લા પોલીસની ટીમે દરોડો પાડી રૂ.2.83 લાખનો કપાસના બિયારણનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો હતો. આ જથ્થો વેચવા લાયક નહીં હોવા છતાં ખેડૂતોને ધાબડવામાં આવતો હોવાની શંકા છે. શાપરમાં કેપ્ટન ગેટની અંદર અલ્ટ્રાકેબ નામના વાયરના કારખાનાની સામે આવેલા ગોડાઉનમાંથી નકલી બિયારણ વેચાતું હોવાની માહિતી મળતાં જિલ્લા પોલીસની એસઓજીના પીએસઆઇ ભાનુભાઇ મિયાત્રા સહિતની ટીમ ખાબકી હતી. ગોડાઉનમાંથી માહી શક્તિ પ્રીમિયમ કોટન હાઇબ્રીડ સીડ્સ, પિન્ક કિલર-5જી મોર પારવર ફુલના 450 ગ્રામના રૂ.2,83,500ની કિંમતના 405 પ્લાસ્ટિકની બેગનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે ગોડાઉનના સંચાલક રાજકોટના કોઠારિયા રોડ પરના માટેલ પાર્કમાં રહેતા ભૂમિક રમેશભાઇ ભાલિયાને સકંજામાં લઇ પૂછપરછ કરતાં કેટલીક સ્ફોટક હકીકત બહાર આવી હતી. પોલીસ સૂત્રોઅે જણાવ્યું હતું કે, પિન્ક કિલર સહિત અન્ય છ સાત એવી કેટેગરી છે જેને સરકારે વેચાણ માટે મંજૂરી આપી નથી છતાં આવા ગોરખધંધા કરવામાં આવે છે. ભૂમિક ઇડર પંથકમાંથી કપાસના આવા બિયારણનો જથ્થો રૂ.475 પ્રતિ બેગના ભાવે લઇ આવતો હતો અને ખેડૂતોને રૂ.1000થી માંડી રૂ.1500માં ધાબડતો હતો. બે વર્ષથી ભૂમિક બિયારણ વેચવાનું કામ કરે છે. પોલીસે હાલ તો શંકાસ્પદ જથ્થા તરીકે બિયારણનો જથ્થો જપ્ત કરી તપાસ આગળ ધપાવી હતી.