ભારતે પાકિસ્તાન સામે અત્યાર સુધીની સૌથી મોટી જીત હાંસલ કરી છે. ટીમે વન ડે એશિયા કપની સુપર-4 મેચમાં પાકિસ્તાની ટીમને 228 રનથી હરાવ્યું હતું.
આ પહેલા આ રેકોર્ડ 140 રનનો હતો જે ભારતે 2008માં મીરપુર મેદાનમાં બનાવ્યો હતો.
કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ટૉસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં બે વિકેટે 356 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 32 ઓવરમાં 128/8 રન જ બનાવી શકી હતી. ટીમના બે બેટર્સ ઈજાના કારણે રમ્યા ન હતા. ભારતીય ટીમ તરફથી સૌથી વધુ કુલદીપ યાદવે 5 વિકેટ ઝડપી હતી. જ્યારે જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને શાર્દૂલ ઠાકુરને 1-1 વિકેટ મળી હતી.
પાકિસ્તાનની ઈતિહાસમાં બીજી સૌથી મોટી હાર
પાકિસ્તાનને તેના વન-ડે ઈતિહાસમાં બીજી સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો છે. ટીમને અગાઉ 2009માં કરાચીના મેદાન પર શ્રીલંકાએ 234 રનથી હરાવ્યું હતું. પાકિસ્તાન વન-ડેમાં ત્રીજી વખત 200થી વધુ રનના માર્જિનથી હારી ગયું છે. શ્રીલંકા અને ભારત સિવાય ટીમને 2002માં નૈરોબીના મેદાન પર ઓસ્ટ્રેલિયાએ 224 રનથી હરાવ્યું હતું.