રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 27 મહિનાથી યુદ્ધ જારી છે. ભારે નુકસાન પહોંચાડી ચુકેલા યુદ્ધ વચ્ચે રશિયા હજુ આક્રમક મૂડમાં છે. રશિયાએ પોતાના હથિયારોનુ ઉત્પાદન વધુ તીવ્ર બનાવી દીધુ છે. બીજી બાજુ યુક્રેનની સામે હથિયારોનુ સંકટ તોળાઇ રહ્યુ છે. અમેરિકા અને યુરોપ સહિત કેટલાક દેશોના પ્રતિબંધ છતાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન ચીન અને ઉત્તર કોરિયા જેવા દેશોની મદદથી હથિયારોની વ્યવસ્થા કરવામાં સફળ રહ્યા છે.
યુક્રેનની સહાય કરનાર યુરોપના નાના નાના દેશ હવે રશિયન રાષ્ટ્રપતિના ટાર્ગેટ પર આવી ગયા છે. અમેરિકન અને યુરોપિયન સુરક્ષા અધિકારીઓના અહેવાલમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે રશિયન સૈન્ય ગુપ્તચર જુથ ગ્રૂ એવા દેશોમાં અશાંતિ ફેલાવવાની તૈયારીમાં છે જે યુક્રેનને હથિયાર ઉપલબ્ધ કરાવવા માટે પ્રયાસમાં છે.
એસ્ટોનિયાના પીએમ કાઝા કાલાસે ગયા સપ્તાહમાં જ કહ્યંુ હતું કે રશિયાએ યુરોપિયન દેશોની સામે યુદ્ધ છેડેલું છે. પોલેન્ડના પીએમ ડોનાલ્ડ ટસ્કે હાલમાં દાવો કર્યો હતો કે રશિયન ગુપ્તચર સંસ્થા માટે મારમારી અને આગચંપી કરીને અશાંતિ ફેલાવવાના આરોપમાં 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. નોર્વેના વડાપ્રધાન જોનાસ ગેહર સ્ટોરે કહ્યુ છે કે રશિયા એક મોટા ખતરા તરીકે છે. કારણ કે તેમને માહિતી મળી છે કે રશિયા તેમના દેશમાં પાવર પ્લાન્ટ અને આર્મ્સ ફેક્ટરીને ટાર્ગેટ બનાવવાના ફિરાકમાં છે. આ પહેલા 2014માં રશિયન સૈન્ય ગુપ્તચર સંસ્થાઓએ ચેક ગણરાજ્યમાં એક દારૂગોળાના ડિપોને ફૂંકી માર્યુ હતુ. અલબત્ત આ દેશે સાત વર્ષ બાદ સુધી જાહેર રીતે રશિયાને આ હુમલા માટે જવાબદાર ઠેરવીને તેની ટીકા કરી નથી.