ભારત ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ઇકોનોમિક ફંડામેન્ટલ્સમાં સુધારાને પગલે 6.9-7.2%ની રેન્જમાં આર્થિક વૃદ્ધિદર નોંધાવશે તેવો આશાવાદ ડેલોઇટ ઇન્ડિયા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO)ના પહેલા અંદાજ અનુસાર, નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન ભારતીય અર્થતંત્ર 7.3%નો આર્થિક વૃદ્ધિદર નોંધાવશે, જે ગત વર્ષે 7.2% હતો. ખાસ કરીને માઇનિંગ, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના કેટલાક સેગમેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે તેમાં વૃદ્ધિ થશે.
દેશની રાજકોષીય ખાધ વર્ષ 2022-23માં જીડીપીના 1.9% રહી છે અને તે વર્ષ 2023-24માં વધુ ઘટે તેવી શક્યતા છે. તદુપરાંત, ફોરેક્સ રિઝર્વ પણ $568 અબજના સલામત સ્તરે રહી છે, જે દસ વર્ષના ઇમ્પોર્ટ કવરને સમકક્ષ છે. અત્યારે ફુગાવો 5% છે તેમ છતાં RBIની નિર્ધારિત રેન્જ કરતાં વધુ છે, પરંતુ દાયકા પહેલા જે રહેતો હતો તેના કરતાં ખૂબ ઓછો છે. ઇકોનોમિક ફંડામેન્ટલ્સમાં સુધારાને કારણે આઉટલુકમાં સુધારો કર્યો છે અને અને નાણાકીય વર્ષ 2023-24માં ભારત 6.9 અને 7.2%ની વચ્ચે આર્થિક વૃદ્ધિદર નોંધાવે તેવી આશા ધરાવીએ છીએ. જે આગામી વર્ષ દરમિયાન 6.4% થી 6.7%ની વચ્ચે રહી શકે છે.
વૈશ્વિક સ્તરે આર્થિક સ્થિતિ સાધારણ છે અને તે ભારતીય અર્થતંત્રને અસર કરશે ત્યારે ભારત વિશ્વના અન્ય દેશો કરતાં અનિશ્ચિતતાનો વધુ સારી રીતે સામનો કરવા માટે સક્ષમ હશે તેવું ડેલોઇટ ઇન્ડિયાના અર્થશાસ્ત્રી રુમકી મજુમદારે કહ્યું હતું. જો કે, તેઓ સતત વધી રહેલા ફુગાવાને લઇને ચિંતિત જણાયા હતા.