ચોમાસાની ઋતુ સામાન્ય રીતે ઍરલાઇન્સ માટે મંદીની મોસમ ગણાતી હોય છે. આથી તમામ ઍરલાઇન્સે આ ઑફ સિઝનનો લાભ લેવા માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ પર ભાડામાં છૂટ આપવાનું શરૂ કર્યું છે. વિસ્તારાએ 4 જૂનથી 4 દિવસીય સેલ શરૂ કર્યો છે. તેમાં ઇકોનોમી ક્લાસ માટે રૂ. 1999 ભાડું, પ્રીમિયમ ઇકોનોમી માટે રૂ. 2999 અને બિઝનેસ ક્લાસ માટે રૂ. 9999થી ભાડું શરૂ થઈ રહ્યું છે.
બજેટ ઍરલાઇન્સ ઍર ઇન્ડિયા એક્સપ્રેસ અને ઇન્ડિગોએ ગત સપ્તાહે એકસાથે મર્યાદિત સમયગાળાની ટિકિટ વેચવાનું શરૂ કર્યું હતું. બીજી તરફ, ઍર ઇન્ડિયા એક્સપ્રેસે રૂ. 1,177થી શરૂ થતાં ભાડાંની રજૂઆત પણ કરી હતી. દેશની સૌથી મોટી કૅરિયર કંપની ઇન્ડિગોએ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને ફ્લાઇટ માટે રૂ. 1,199થી શરૂ થનારા ઑલ-ઇન્ક્લુસિવ ભાડાંની જાહેરાત કરી છે. તાતા જૂથના નિયંત્રણવાળી ઍર ઇન્ડિયાએ રૂ. 2,449 રૂપિયાની છૂટછાટવાળાં ભાડાં શરૂ કર્યાં છે. એ બિઝનેસ ક્લાસમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ પર 70% સુધીની છૂટ આપી રહી છે. નવી રાષ્ટ્રીય ઍરલાઇન્સમાંથી એક અકાસા ઍર 30 સપ્ટેમ્બર સુધી તમામ ફ્લાઇટ પર 20%ની છૂટ આપી રહી છે. ગયા મહિના કરતાં જૂનમાં દૈનિક યાત્રીઓની સંખ્યામાં 5-6%નો ઘટાડો થયો છે અને કુલ આંકડો 4.08 લાખની નજીક છે.