રોજ સૂર્યના કિરણો પહેલાં દિલ્હી એઈમ્સ અને અન્ય હોસ્પિટલોમાં કેન્સરના દર્દીઓ અને તેમના સંબંધીઓની લાઈન લાગી જાય છે. આ લાઇન તો પૂરી થઈ જાય છે પરંતુ એક સવાલ યથાવત્ રહે છે, સરકારી હોસ્પિટલોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેમ નથી વધતું? દર વર્ષે કેન્સરના 70 હજાર દર્દીઓમાંથી માત્ર 37 હજારને જ દિલ્હી એમ્સમાં સારવાર મળે છે. ડબલ્યૂએચઓ મુજબ, વિશ્વમાં કેન્સરના દર્દીઓના 10% મૃત્યુ ભારતમાં થાય છે. જર્નલ ઓફ ગ્લોબલ ઓન્કોલોજીના અભ્યાસ મુજબ, દેશમાં કેન્સર મૃત્યુ દર વિકસિત દેશો કરતા લગભગ બમણો છે. અહીં દર 10માંથી 7 મૃત્યુ પામે છે, જ્યારે વિકસિત દેશોમાં આ સંખ્યા 3 અથવા 4 છે. કારણ એ છે કે દેશમાં દર 2000 કેન્સરના દર્દીઓ સામે માત્ર એક જ ડૉક્ટર છે. જ્યારે અમેરિકામાં દર 100 માટે એક છે. દેશમાં કેન્સર કેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર 100 શહેરો સુધી મર્યાદિત છે. 40% ઇન્ફ્રા માત્ર આઠ મેટ્રો સુધી છે. દેશમાં 30% દર્દીઓને સરકારી સારવાર મળે છે. બાકીના 70%માંથી અડધા ખાનગી હોસ્પિટલોના ભરોસે છે.
કેન્સરની સારવારની 3 મુખ્ય પદ્ધતિ છે. પ્રથમ- સર્જરી, બીજી- કીમોથેરાપી અને ત્રીજી- રેડિયોથેરાપી. જેમાં રેડિયોથેરાપી સૌથી સચોટ માનવામાં આવે છે, પરંતુ મોટાભાગના દર્દીઓ તેનો આર્થિક બોજ ઉઠાવી શકતા નથી. તેના મશીનો અને દવાઓ આયાત કરવામાં આવે છે અને ખૂબ ખર્ચાળ છે.
ડબલ્યૂએચઓના ધોરણો અનુસાર, 10 લાખની વસ્તીએ એક ટેલિ-રેડિયોથેરાપી મશીનની જરૂર છે. ભારતને 1300ની જરૂર છે, પરંતુ હાલમાં માત્ર 700 છે.