બે વર્ષ બાદ યોજાયેલા દેશના સૌથી મોટા ઓટો એક્સપોમાં વિદેશી કાર કંપનીઓ આકર્ષણના કેન્દ્રમાં છે. ભારત, વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ છે જે ઝડપથી ઇલેક્ટ્રિક વાહનો (EV) તરફ આગળ વધી રહ્યું છે. વિદેશી કંપનીઓ તેમાં મોટો હિસ્સો મેળવવા માટે સ્પર્ધા કરતી જોવા મળી હતી. શોના પ્રથમ દિવસે, બ્રિટિશ કંપની એમજી, હ્યુન્ડાઈ અને કોરિયાની કિઆ અને ચીનની BYD જેવી કંપનીઓએ હાઈ-ટેક ઈવી રજૂ કરી હતી.
મારુતિ સુઝુકી ઈન્ડિયા અને ટાટા મોટર્સે પણ ઈવીના કોન્સેપ્ટ મોડલની રજૂઆત કરી હતી. વિશ્વ સ્તરે ઇલેક્ટ્રિક વાહનો પર ઉત્પાદક કંપનીઓ દ્વારા વધુ ભાર આપવામાં આવી રહ્યો છે ત્યારે ઓટો એક્સપોમાં ટોચની કંપનીઓએ ઇલેક્ટ્રિક વાહન સેગમેન્ટમાં 20 હજાર કરોડથી વધુ રોકાણ કરવાની જાહેરાત કરી હતી.
મારુતિની પહેલી ઇલેક્ટ્રિક SUV, રેન્જ 550 કિમી
મારુતિ સુઝુકીએ ઇલેક્ટ્રિક SUV EVX કોન્સેપ્ટનું અનાવરણ કર્યું. કંપનીનો દાવો છે કે તે સિંગલ ચાર્જમાં 550 કિલોમીટર સુધી ચાલી શકે છે. તેને નવા સમર્પિત ઇલેક્ટ્રિક પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યું છે. તે 2025 સુધીમાં માર્કેટમાં આવી શકે છે.
18 મિનિટમાં 80% સુધી ચાર્જ થશે એસયુવી
બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાને હ્યુંડાઇની ઇલેક્ટ્રિક SUV Ionik-5 રજૂ કરી. તેની રેન્જ 631 કિમી હોવાનું કહેવાય છે. કંપનીનો દાવો છે કે તેને માત્ર 18 મિનિટમાં 80% સુધી ચાર્જ કરી શકાય છે. આ માટે 350 kW DC ચાર્જરનો ઉપયોગમાં થશે.