સાતમી ઓક્ટોબર 2023ના દિવસે હમાસના આતંકી હુમલા બાદ છેલ્લા 8 મહિનાથી જારી ઇઝરાયલની જવાબી કાર્યવાહીમાં હજુ સુધી 37,347 પેલેસ્ટેનિયનો માર્યા ગયા છે. જેમાં 15 હજારથી વધારે બાળકો છે. હાલમાં જ જારી કરવામાં આવેલા રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે ઇઝરાયલી સેનાના હુમલામાં કેટલાક પરિવારો તો ખતમ થઇ ગયા છે. રિપોર્ટમાં 60 કરતાં વધારે પેલેસ્ટેનિયન પરિવારોની જાણકારી સામે આવી છે. જ્યાં 25થી વધુ લોકોનાં મોત થયાં છે. કેટલાક પરિવારમાં તો ચાર પેઢીઓના લોકોનાં મોત થયાં છે.
મોટા ભાગના લોકોનાં મોત ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે થયાં છે. એ વખતે ઇઝરાયલે સૌથી ભીષણ હુમલા કર્યા હતા. કેટલાક પરિવાર તો એવા રહી ગયા છે જેમાં માત્ર એક જ વ્યક્તિ જીવિત છે, બાકીના માર્યા ગયા છે. આવી જ સ્થિતિ યુસુફ સલેમની છે. જે પોતાના પરિવારમાં માત્ર એકમાત્ર જ જીવિત છે.
અબુ અલ-કુમસન પરિવાર- એપ્રિલ સુધી અબુ અલ કુમસન પરિવારના 80થી વધુ લોકોનાં મોત થયાં છે. આ પરિવારમાંથી છેલ્લે બચી ગયેલા હુસૈન અબુ અલ કુમસન જે હવે લિબિયામાં રહે છે. તેઓએ હવે પરિવારમાં માર્યા ગયેલા લોકોના દસ્તાવેજ કરવા માટેની કામગીરી હાથમાં લીધી છે. હુસૈન અબુનું કહેવું છે કે ચાર પેઢીઓનાં મોત ઇઝરાયલી હુમલામાં માર્યા ગયા છે. તેમને સાવધાન થવાની પણ તક મળી ન હતી.