ભારત વૈશ્વિક રોકાણકારો માટે ઇન્વેસ્ટમેન્ટ હબ તરીકેના પોતાના સ્થાનને વધુને વધુ મજબૂત બનાવી રહ્યું છે. દેશમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન એટલે કે એપ્રિલ 2014 થી સપ્ટેમ્બર 2024 દરમિયાન દેશમાં કુલ પ્રત્યક્ષ વિદેશી રોકાણ $709.8 અબજના સ્તરે પહોંચ્યું છે. જે વિદેશી રોકાણને આકર્ષિત કરવામાં ભારતના નોંધપાત્ર સિમાચિહ્નને દર્શાવે છે.
રાજ્યકક્ષાના નાણામંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે સરકારની રોકાણકારો માટેની મૈત્રીપૂર્ણ પોલિસીને કારણે આજે ભારત વૈશ્વિક રોકાણકારો માટે જંગી રોકાણ કરવા એક આકર્ષક સ્થળ બનીને ઉભર્યું છે. દેશની એફડીઆઇ પોલિસીનું ફ્રેમવર્ક મજબૂત છે, જે મોટા ભાગના સેક્ટર્સમાં 100% વિદેશી રોકાણની મંજૂરી આપે છે.
દેશના મોટા ભાગના સેક્ટર્સમાં 90% વિદેશી રોકાણ ઓટોમેટિક રૂટ મારફતે આવે છે, જે સરળ નિયમનોની અસરકારકતાને દર્શાવે છે. એફડીઆઇ મર્યાદામાં વધારો, નિયમનકારી અડચણો દૂર કરવા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો જેવી વ્યૂહાત્મક પહેલોને કારણે પણ દેશમાં ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસને વધુ વેગ મળ્યો છે.