મેક્સિકોના રોસારિટો શહેરમાં રહેતા અમેરિકાના જિમ અને તેની પત્ની રેની વર્નાડોરને પ્રવાસી કહેવડાવું જરા પણ પસંદ નથી. રિટાયર થયા પછી અમેરિકા છોડી સંપૂર્ણપણે અહીં વસી ગયા છે. અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતી 65 વર્ષીય કલાકાર ટેલર બર્નેસે ક્યારેય નહોતું વિચાર્યું કે તેને અમેરિકા છોડવું પડશે. પરંતુ વર્ષ 2021માં તે તેના પરિવાર સાથે હંમેશા માટે ફ્રાન્સના એક ગામમાં આવીને વસી.
જિમ અને ટેલર બીજા દેશોમાં વસનારા એકલા અમેરિકન નથી, રિટાયરમેન્ટ પછી અમેરિકા છોડનારાઓની સંખ્યા ઝડપથી વધી છે. તેમની પહેલી પસંદ મેક્સિકોનાં શહેર અને ફ્રાન્સનાં ગામો છે. હકીકતે, અમેરિકામાં મોંઘવારીના કારણે ખર્ચો કાઢવો મુશ્કેલ થઈ ગયો છે. લોકોની રિટાયરમેન્ટ બચત એટલી નથી વધી કે તે આખી જિંદગી કામ કર્યા વિના રહી શકે. એવામાં દેશ છોડીને કોઈ અન્ય સ્થાને વસવાટ કરવો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ જણાય છે, જ્યાં તેમને તેમની લાઇફસ્ટાઇલ સાથે પણ સમાધાન નથી કરવું પડતું.
અમેરિકાનું સેન ડિયાગો શહેર સૌથી ઝડપથી ખાલી થઈ રહ્યું છે. વૃદ્ધો સૌથી વધુ પ્રમાણમાં શહેર છોડી રહ્યા છે. જિમ કહે છે કે અમેરિકામાં લોકો તેમની પારિવારિક આવકના 30%થી વધુ ઈએમઆઈ કે ભાડામાં આપી દે છે. અમેરિકાના ઇકોનોમિક પોલિસી રિપોર્ટ અનુસાર દુનિયાના અન્ય વિકસિત દેશોની સરખામણીએ અમેરિકામાં મિડલ ક્લાસ સૌથી ઓછો થઈ ગયો છે.