હવામાન વિભાગની આગાહી અનુસાર ગઈકાલ સુધીમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર પૂર્વી અરબ સાગર તરફ સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જે ગુજરાતના ઉત્તર ભાગ અને આસપાસના વિસ્તારમાં પહોંચી જશે. તેને કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ આજે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 11 જૂનના રોજ ચોમાસુ નવસારીથી ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ માસૂમ વલસાડ અને નવસારીમાં જ અટવાઈ ગયું છે. આગામી દિવસોમાં ધીમે ધીમે આગળ વધી શકે છે તેવી હવામાન વિભાગે પૂર્વાનુમાન કર્યું છે.
આજે સાઈક્લોનિક સરક્યુલેશન ઉત્તર ગુજરાતમાં સક્રિય બન્યું છે. તેને કારણે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા પર ભારે મોજા ઉછળી શકે છે. તેને કારણે આગામી બે દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે.