વૈશ્વિક સ્તરે ભારતીય અર્થતંત્ર ઝડપભેર આગળ વધી રહ્યું છે તેને ધ્યાનમાં લેતા ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી ફર્મ જેફરીઝે ભારતીય અર્થતંત્ર અને તેના ઇક્વિટી બજારો માટે આશાવાદી દૃષ્ટિકોણનો અંદાજ મૂક્યો છે. છેલ્લા દસ વર્ષમાં ભારતે મૂળભૂત માળખાકીય સુધારા જોયા છે તેના અનુસંધાને આગામી 4 વર્ષોમાં ભારતની જીડીપી 2027 સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીને $5 ટ્રિલિયનને સ્પર્શી જશે. જાપાન અને જર્મનીને પાછળ છોડીને, સૌથી ઝડપથી વિકસતા મોટા અર્થતંત્રની સ્થિતિ જાળવી રાખશે. આ સાથે જેફરીઝને અપેક્ષા છે કે 2030 સુધીમાં ભારતીય શેર બજાર 10 લાખ કરોડ ડોલર(સરેરાશ રૂ.830 લાખ કરોડ)ને આંબી જશે. ભારતનું બજાર 4.3 ટ્રિલિયન ડોલર સાથે વિશ્વમાં યુએસએ (44.7 ટ્રિલિ. ડોલર), ચીન (9.8 ટ્રિલિ. ડોલર), જાપાન (6 ટ્રિલિ. ડોલર) અને હોંગકોંગ (4.8 ટ્રિલિ. ડોલર) પછી પાંચમા ક્રમે છે. ભારતીય ઇક્વિટી બજારો છેલ્લાં કેટલાક વર્ષના ગાળામાં ડોલરની દ્રષ્ટિએ સાતત્યપૂર્ણ 10 ટકા વાર્ષિક રિટર્ન મેળવવામાં સફળ રહ્યાં છે અને આગામી 5-7 વર્ષમાં આકર્ષક વૃદ્ધિ ચાલુ રાખશે.
વિદેશી કંપનીઓ માટે ભારતમાં લિસ્ટેડ થવાનો યોગ્ય સમય
મજબૂત વૃદ્ધિની રૂપરેખા, ભારતીય બજારોનું વધતું વજન અને ઊંચું ઉંચા રિટર્નના ટ્રેક રેકોર્ડને કારણે વિદેશી રોકાણના પ્રવાહને વધારવો જોઈએ. દક્ષિણ કોરિયાની વિદેશી કંપની હ્યુન્ડાઇ ઇન્ડિયાના તેની ભારતીય પેટાકંપનીને લિસ્ટેડ કરવાના નિર્ણયનું ઉદાહરણ આપતા અહેવાલમાં જણાવાયું છે કે દેશમાં મજબૂત પગપેસારો ધરાવતી કેટલીક મલ્ટિનેશનલ કંપનીઓ માટે લિસ્ટેડ કંપનીઓ બનવાનો સમય યોગ્ય છે. જો એમેઝોન, સેમસંગ, એપલ, ટોયોટા વગેરે જેવી મોટી વૈશ્વિક કંપનીઓ આ રીતે વિચારે તો તે ભારતીય ઇક્વિટી મૂડી બજારો માટે ગેમ ચેન્જર બની શકે છે.