અમેરિકાની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સામાન્ય જ્ઞાનની જાણકારી નથી. વિદ્યાર્થીઓ સામાન્ય ભૂગોળના સવાલના ખોટા જવાબ આપી રહ્યા છે. જર્મનીની રાજધાની પૂછવામાં આવતા તેઓ ફ્રાન્સ કહી રહ્યા છે. મિશિગન યુનિવર્સિટીની સ્વિડિશ વિદ્યાર્થિની મેથિલ્ડા આન્દ્રેએ પોતાના અમેરિકી સહપાઠીઓને ભૂગોળના સરળ સવાલ પૂછ્યા અને તેણીને જે જવાબ મળ્યો તે અમેરિકાની શિક્ષણ પ્રણાલી વિશે મોટા સવાલ ઊભા કરે છે.
મેથિલ્ડાએ તેના સહપાઠીઓને પ્રશ્નો પૂછ્યા કે જર્મનીની રાજધાની કઈ છે? એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો ફ્રાન્સ. બીજા વિદ્યાર્થીએ જવાબ આપ્યો, ફ્રાન્સ હેમબર્ગ. મેથિલ્ડાએ વધુ એક સવાલ કર્યો, ફ્રાન્સની રાજધાની કઈ છે? તેના પર એકે જવાબ આપતાં કહ્યું, રોમ. ઇરાકને સ્કેન્ડિનેવિયાનો એક દેશ ગણાવ્યો. મેથિલ્ડાએ જ્યારે આ સવાલ-જવાબવાળો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો તો ઓનલાઈન દુનિયામાં ભૂકંપ આવી ગયો.