ગુજરાતમાં આ વર્ષે ચોમાસું ધાર્યા કરતાં થોડું મોડું આવ્યું છે. સામાન્ય ઝાપટાં વરસ્યા પછી રવિવારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સવારથી વરસાદી વાતાવરણ બંધાયું હતું અને સવારે 11 વાગ્યા આસપાસથી વરસાદ વરસવાનું શરૂ થયું હતું. અમદાવાદમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો જ્યારે સુરતમાં 6 ઈંચ વરસાદ પડ્યો હતો. રવિવારે સવારે ગણતરીના કલાકોમાં જ સુરત, નવસારી, વલસાડ, ભરૂચમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બપોરે અમદાવાદ શહેર અને આસપાસ ધોધમાર વરસાદ શરૂ થતા શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. ધોધમાર વરસાદના કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક રસ્તાઓ પર ભૂવા પડતાં વાહનો ફસાયાં હતાં. સાંજના સમયે કચ્છના મુંદ્રામાં બે કલાકમાં જ સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આજે રાજ્યમાં સવારે 6 થી રાત્રે 8 સુધીમાં કુલ 211 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 6 ઈંચ સુરતના પલસાણામાં નોંધાયો છે.