રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકી રાષ્ટ્રપતિ પદ માટે કમલા હેરિસને સમર્થન આપ્યું છે. પુતિને કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમણે રશિયા પર વધુ પ્રતિબંધો લગાવ્યા હતા. તેમના પહેલા કોઈ અમેરિકન રાષ્ટ્રપતિએ રશિયા પર આટલા પ્રતિબંધો લગાવ્યા ન હતા.
રશિયાના વ્લાદિવોસ્તોક શહેરમાં આયોજિત ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમ (EEZ)માં પુતિનને પૂછવામાં આવ્યું કે આગામી યુએસ પ્રમુખ તરીકે તેઓ કોને પસંદ કરે છે? આ સવાલના જવાબમાં પુતિને કહ્યું, “જો તમે મને પહેલા પૂછ્યું હોત તો મેં રાષ્ટ્રપતિ બાઈડેનનું નામ લીધું હોત. પરંતુ હવે તે રેસમાંથી ખસી ગયા છે, તેમણે કમલા હેરિસના નામને સમર્થન આપ્યું છે, તેથી હું પણ તે જ કરીશ.
કમલા હેરિસ વિશે વાત કરતાં પુતિને વધુમાં કહ્યું કે તે ખૂબ જ દિલ ખોલીને હસે છે. આ બતાવે છે કે તેના જીવનમાં બધું સારું ચાલી રહ્યું છે. જો તે બધું બરાબર કરી રહી છે તો તે ટ્રમ્પની જેમ રશિયા પર પ્રતિબંધો લાદશે નહીં. કદાચ તેણી આ વસ્તુથી બચી જશે.
જોકે, પુતિને કહ્યું કે આખરે અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ બનવું જોઈએ તે પસંદ કરવાનું કામ અમેરિકન નાગરિકોનું છે. પુતિને કહ્યું કે તેઓ અમેરિકન લોકોની પસંદગીનું સન્માન કરશે.