અમેરિકાના બાલ્ટીમોરમાં 6 દિવસ પહેલા સર્જાયેલી દુર્ઘટના બાદ માલવાહક જહાજના તમામ 22 ક્રૂ મેમ્બર ભારતીય હજુ પણ ફસાયેલા છે, તેઓ જહાજમાંથી નીચે ઉતરી શક્યા નથી. આ કન્ટેનર શિપ પુલ સાથે અથડાયું હતું, જેના કારણે પુલનો એક ભાગ તૂટી પડ્યો હતો. ત્યારથી ક્રૂ મેમ્બરો જહાજ પર જ ફસાયેલા છે.
રિપોર્ટ મુજબ, જ્યાં સુધી બ્રિજનો કાટમાળ હટાવાશે નહીં ત્યાં સુધી ક્રૂ મેમ્બરને બહાર કાઢી શકાશે નહીં. જહાજમાં ફસાયેલા ક્રૂ મેમ્બરોને હાલ કોઈ મુશ્કેલી નથી. તેમની પાસે પૂરતું ભોજન-પાણીનો સંગ્રહ છે. એટલું જ નહીં જનરેટર ચાલુ રાખવા માટે પૂરતા બળતણની પણ સગવડ છે.
દુર્ઘટનાના દિવસે જહાજના ક્રૂએ જહાજને પુલ સાથે અથડાય નહીં તે માટે તમામ પ્રયાસો કર્યા હતા. કોઈ વિકલ્પ ન દેખાતા અંતે પાઈલટે એન્કર નીચું કરવાનું કહ્યું હતું, જેથી જહાજની ગતિ ઓછી થઈ શકે. મેરીલેન્ડની ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટીને પણ એલર્ટ મોકલવામાં આવ્યું હતું. અથડામણ થતાં જ બાલ્ટીમોર બ્રિજનો એક ભાગ વાંકો વળીને જહાજ પર પડ્યો હતો. આ પછી પુલનો વધુ કેટલોક ભાગ તૂટીને નદીમાં પડ્યો હતો.