યુપીના હાથરસમાં ભોલે બાબાના સત્સંગમાં નાસભાગ મચી ગઈ હતી. નાસભાગમાં મહિલાઓ અને બાળકો ફસાઈ ગયાં હતાં. ટોળાંએ તેમને કચડી નાખ્યા. અત્યારસુધીમાં 122 લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં મોટા ભાગનાં બાળકો, વૃદ્ધો અને મહિલાઓ છે.
હાથરસ જિલ્લાના સિકંદરરૌ પોલીસ સ્ટેશન વિસ્તારના ફૂલરાઈ ગામમાં એક દિવસીય સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્સંગનું સ્થળ નાનું હતું અને ઘણી ભીડ હતી. જ્યારે સત્સંગ પૂરો થયો ત્યારે ભીડ કાબૂ બહાર ગઈ અને નાસભાગ મચી ગઈ.
ભોલે બાબાનું સાચું નામ નારાયણ સાકાર હરિ છે. તેઓ એટા જિલ્લાના બહાદુર નગરી ગામના રહેવાસી છે. તેમનું પ્રારંભિક શિક્ષણ એટા જિલ્લામાં થયું હતું. બાદમાં તેમને યુપી પોલીસમાં નોકરી મળી. લોકલ ઇન્ટેલિજન્સ એટલે કે LIUમાં કામ કર્યું. 90ના દાયકામાં તેમણે નોકરી છોડી દીધી અને બાબા બની ગયા. તેમણે પોતાનું નામ બદલીને સાકાર વિશ્વહરિ રાખ્યું. તેમની પત્ની પણ તેમની સાથે હોય છે.
નારાયણ સાકાર અન્ય બાબાઓની જેમ કેસરી પોશાક પહેરતા નથી. તેઓ તેમના સત્સંગમાં સફેદ સૂટ, ટાઈ અને શૂઝમાં જોવા મળે છે. ઘણી વખત લોકો કુર્તા-પાયજામા અને માથા પર સફેદ ટોપી પહેરીને સત્સંગમાં આવે છે.