આઝાદીના અમૃતકાળમાં ભારતે નવું મિશન શરૂ કર્યું છે. મિશન છે ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષા હિન્દીને વૈશ્વિક દરજ્જો અપાવવાનું. આ મહા અભિયાનની શરૂઆત ફિજી દેશથી થઇ છે. આ મુદ્દે ઝડપથી કેન્દ્ર સરકાર અનેક યોજના પણ શરૂ કરવા જઇ રહી છે. ફિજીના નાંદીમાં બુધવારે 12મા વિશ્વ હિન્દી સંમેલનની શરૂઆત કરતા વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, એ યુગ પાછળ ગયો, જ્યારે વિકાસ પશ્ચિમીકરણનો સમાનાર્થી હતો. ઉપનિવેશ યુગમાં દબાઇ ગયેલી તમામ ભાષા હવે વૈશ્વિક મંચ પર ગુંજે છે. બીજી તરફ, ફિજીના શિક્ષણ મંત્રાલયે ધો. 12 સુધી હિન્દી ફરજિયાત કરવાની તૈયારી શરૂ કરી છે. હમણા સુધી ધો. આઠ સુધી જ હિન્દી ફરજિયાત હતી. આ માટે અહીં હિન્દીના શિક્ષકોની સંખ્યા વધારાશે, જેમને ભારત તાલીમ આપશે.
શિક્ષણ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે, ફિજીમાં હાલ હિન્દીને લઇને બે પ્રકારની મુશ્કેલી છે. પહેલી ફિજિયન હિન્દી અને બીજી શિક્ષકોની અછત. ફિજિયન હિન્દીના ઉચ્ચારણ બિલકુલ એવા જ છે, જેવા બોલિવૂડની ફિલ્મોમાં અંગ્રેજો દ્વારા કરાય છે. આ હિન્દીથી બાળકોને ભવિષ્યમાં કોઇ લાભ નથી થતો. તેનાથી માતા-પિતા પણ ફરજિયાત હિન્દીને લઇને પ્રોત્સાહિત નથી હોતા, પરંતુ નવી સરકારે ફિજીમાં મોટી સંખ્યામાં રહેતા ભારતીયોની ઇચ્છાને ધ્યાનમાં રાખીને સ્કૂલોમાં ધો. 12 સુધી હિન્દી વિષય ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે. સંભવતઃ આગામી સત્રથી તે લાગુ થઇ જશે. બીજી તરફ, ફિજીના રાષ્ટ્રપતિ વિલિયમ કાટોનિવેરે કહ્યું છે કે, હિન્દી અમારા હૃદયમાં વસેલી ભાષા છે.