દેશમાં શિક્ષણવ્યવસ્થા પર લોકોનો દ્રષ્ટિકોણ બદલાઈ રહ્યો છે. 55% શહેરી વસ્તી એજ્યુકેશન સિસ્ટમને સારી માને છે. આશરે 50% લોકો માને છે કે શિક્ષણની ગુણવત્તા પહેલાં કરતાં વધુ સારી થઈ છે. પેરિસ સ્થિત મલ્ટિનેશનલ માર્કેટિંગ રિસર્ચ ફર્મ ઇપ્સોસના અહેવાલ મુજબ 76% શહેરી ભારતીયોનું માનવું છે કે દેશમાં શિક્ષણ માટે સંસાધનો અને સુવિધાઓ પર્યાપ્ત છે. આ સરવેમાં સિંગાપોર, આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા પછી ભારત ચોથા સ્થાને રહ્યું.
હંગેરી, પેરુ અને ચિલી આ યાદીમાં સૌથી નીચલા સ્તરે છે. આ સરવેથી એક રસપ્રદ વાત જાણવા મળે છે કે દુનિયામાં શિક્ષકોને સન્માન આપવામાં ભારત અવ્વલ છે. સરવેમાં સામેલ 80% શહેરી ભારતીયો માને છે કે દેશમાં શિક્ષકોને પૂરતું સન્માન મળે છે. જ્યારે 76% માને છે કે ભારતીય શિક્ષકો મહેનતુ હોય છે.
આ પરિણામો પર ઇપ્સોસ ઈન્ડિયાના સીઈઓ અમિત અદારકર કહે છે કે ભારતમાં શ્રેષ્ઠ સુવિધાઓ અને અભ્યાસક્રમ ધરાવતી કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ છે, જે ઘણી સરળતાથી વિશ્વને ટક્કર આપી શકે છે. ભારતે આંગણવાડીઓ અને ગ્રામ-કેન્દ્રિત કાર્યક્રમો દ્વારા આજે નાના શહેરો અને ગામડાંઓ સુધી શિક્ષણ પહોંચાડ્યું છે. સરવેમાં સામેલ 79% લોકો માને છે કે શિક્ષણે વિશ્વમાં સામાજિક અસમાનતા ઘટાડી છે ત્યારે 80% ભારતીયોનું માનવું છે કે જીવનમાં સફળતા મેળવવા માટે કૉલેજ અથવા યુનિવર્સિટીની ડિગ્રી જરૂરી હોય છે.