અયોધ્યાના રામલલ્લા મંદિરમાં વધુ 25 પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવશે. તેમાં શ્રીરામ દરબાર, સપ્તર્ષિ, શેષાવતાર અને અન્ય કેટલાક દેવી-દેવતાઓની મૂર્તિઓ સામેલ છે. આ પ્રતિમાઓ પ્રથમ માળે સ્થાપિત કરવામાં આવશે. રામચરિત માનસના રચયિતા ગોસ્વામી તુલસીદાસની એક મોટી પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવશે, જો કે તેનું સ્થાન હજુ નક્કી કરવામાં આવ્યું નથી.
આ માહિતી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આપી હતી. શુક્રવારે તેમણે કહ્યું- રામ મંદિર 221 ફૂટ ઊંચું હશે. મંદિરનું મુખ્ય શિખર 161 ફૂટ ઊંચું હશે. તેના પર 50 મીટર ઉંચો ધ્વજ પોલ હશે. આ પોલ ગુજરાતથી ત્રણ મહિના પહેલા અયોધ્યા લાવવામાં આવ્યો હતો. ટ્રસ્ટનો પ્રયાસ છે કે ડિસેમ્બર 2024 સુધીમાં રામ મંદિર તૈયાર થઈ જાય. તેમજ સમગ્ર મંદિર સંકુલનું બાંધકામ 2025ના અંત સુધીમાં પૂર્ણ થવું જોઈએ.