પીએમ નરેન્દ્ર મોદી પોતાનો અમેરિકા પ્રવાસ પૂર્ણ કરીને દિલ્હી પરત ફર્યા છે. પીએમ મોદી શુક્રવારે રાત્રે 3 વાગ્યે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા માટે વ્હાઇટ હાઉસ પહોંચ્યા. બંને નેતા લગભગ અઢી કલાક સુધી સાથે રહ્યા. આ સમયગાળા દરમિયાન બંને વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ. ટ્રમ્પ અને મોદીએ બેવાર મીડિયા સાથે વાત કરી.
ટ્રમ્પે ટેરિફ મુદ્દે મોદીની પ્રશંસા કરી અને તેમને એક ટફ નેગોશિએટર ગણાવ્યા. તેમણે પીએમ મોદીને પોતાના મિત્ર ગણાવ્યા અને કહ્યું કે તેઓ સારું કામ કરી રહ્યા છે. ટ્રમ્પે ભારતને F-35 ફાઇટર જેટ આપવાની જાહેરાત કરી. આ સાથે તેમણે 2008ના મુંબઈ હુમલાના આતંકવાદી તહવ્વુર રાણાને ભારત મોકલવાની પણ વાત કરી.
જ્યારે પીએમ મોદીએ ટ્રમ્પને બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા. એક પ્રશ્નના જવાબમાં મોદીએ કહ્યું હતું કે ટ્રમ્પ સાથે ફરીથી કામ કરવાની તક મળી એ ખુશીની વાત છે. મોદીએ કહ્યું હતું કે તેમની અને ટ્રમ્પ વચ્ચેની મુલાકાતનો અર્થ એક અને એક અગિયાર થાય છે.