ગુજરાત વિધાનસભાની ચૂંટણી નવેમ્બર મહિનાની શરૂઆતમાં કોઈ પણ સમયે જાહેર થઈ શકે છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવા માટે નવા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં 26 ઓક્ટોબરે ચીફ ઈલેક્શન સમિતીની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં ભાગ લેવા માટે 25મીએ ગુજરાતના નેતાઓ ફરીવાર દિલ્હીમાં ધામા નાંખશે. શનિવારે જ સ્ક્રિનિંગ કમિટીની ત્રણ દિવસની બેઠક પુરી થઈ છે. જેમાં ગુજરાતની 182 બેઠકો પર ઉમેદવારોના નામોને લઈ મંથન કરવામાં આવ્યું હતું. બીજી તરફ ટીકિટ માટે કેટલાક નેતાઓએ લોબિંગ પણ શરૂ કરી દીધું છે.
ત્રણથી ચાર દાવેદારોની પેનલ તૈયાર કરાઈ
કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીએ જે તે બેઠકો પર સિંગલ નામથી ત્રણથી ચાર દાવેદારોની પેનલ તૈયાર કરી દીધી છે. આ મહિનાના અંતમાં અથવા નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. એવું કોંગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્માએ દિલ્હીમાં મીડિયાને જણાવ્યું હતું. બીજી તરફ ચૂંટણી લડવા માટે તત્પર થયેલા ટીકિટ વાંચ્છુ મુરતિયાઓએ દિલ્હીમાં લોબિંગ પણ શરૂ કરી દીધું છે.
65 જેટલા નામ ફાઈનલ કરવામાં આવ્યા
ગુજરાતની 182 બેઠકો માટે કોંગ્રેસ પાસે 900 જેટલા દાવેદારોએ ચૂંટણી લડવા માટે ઈચ્છા દર્શાવી છે. પ્રદેશ કક્ષાએ વિવિધ માપદંડોના આધારે સ્ક્રૂટિની કરાયા બાદ એકથી ચાર દાવેદારોના નામ સાથેની પેનલ સ્ક્રિનિંગ કમિટીને મોકલવામાં આવી હતી. કોંગ્રેસના સિનિયર નેતા રમેશ ચેન્નીથલાને સ્ક્રિનિંગ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. તેમના અધ્યક્ષ સ્થાને ત્રણ દિવસ સ્ક્રિનિંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં 65 જેટલા નામ ફાઈનલ કરવામાં આવ્યા હોવાનું કોંગ્રેસના સુત્રો જણાવી રહ્યાં છે.
તમામ 182 બેઠકો માટે ચર્ચા થઇ હતી
કોંગ્રેસના સુત્રોએ કહ્યું કે, ત્રણ દિવસની બેઠકમાં તમામ 182 બેઠકો માટે ચર્ચા થઇ હતી. બેઠક પ્રમાણેની નામોની પેનલ તૈયાર કરવામાં આવી હતી. હવે કોંગ્રેસનાં નવનિયુક્ત અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગેના વડપણ હેઠળ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાશે અને તેમાં ઉમેદવારોના નામો ફાઈનલ કરવામાં આવશે. ઓકટોબર માસના અંત સુધીમાં કોંગ્રેસ પોતાના નામની પહેલી યાદી જાહેર કરી શકે છે.