ભુતકાળમાં અનેક કૌભાંડોમાં વગોવાયેલી માંગરોળ પાલિકાના રેકર્ડ સાથે છેડા અંગેની ઓડીયોક્લિપ વાયરલ થતા હડકંપ મચી ગયો છે. ‘સાહેબ’ તરીકે ઓળખાતા રાજકીય વ્યક્તિ અને પાલિકાના જન્મ મરણ શાખાના તત્કાલીન કર્મી વચ્ચે કોઈ ચોક્કસ પ્રકરણ સબંધે રજીસ્ટરમાં જન્મનું વર્ષ બદલાવી નાંખવા, પાનું ફાડી નાંખવા, રજીસ્ટર સગેવગે કરી નાંખવા, સિક્કો મારીને બોગસ સર્ટિફિકેટ કાઢી નાંખવા સહિતની વાતચીતથી અધિકારીઓની જાણ બહાર કચેરીમાં અંદરખાને ચાલતી ધાંધલીની પોલ ખુલી ગઈ છે.
માંગરોળ પાલિકાના રેકર્ડ સાથે છેડા અંગેની ઓડીયોક્લિપ વાયરલ
પાલિકાના કર્મચારીઓને ડરાવી, ધમકાવી એક ચોક્કસ જૂથ પોતાના ધાર્યા કામ કરાવતું હોવાની છેલ્લા કેટલાક સમયથી લોકોમાં ચર્ચા ઉઠી છે. ત્યારે 6:55 મિનિટની વાયરલ થયેલી ઓડિયોક્લિપમાં એક શાળાના આચાર્ય અને રાજકીય પક્ષના હોદ્દેદારને પાલિકાના કર્મચારી કચેરીનું રેકર્ડ તપાસી 2007માં જન્મ મરણ શાખાના રજીસ્ટરમાં બે બાળકની અને તે પહેલાં 2003માં એક બાળકની નોંધ બતાવે છે તેવું કહે છે. થોડી ચર્ચા બાદ સાહેબ કર્મચારીને 2007ની નોંધ 2005માં ચઢાવી દેવા અને રજીસ્ટરમાંથી પેઈજ કાઢી નાંખવાનું કહેતા કર્મચારી ગભરાતા ગભરાતા ‘હું મરી જાઉં નહીં’ તેમ કહેતા ઓફીસમાં તો 25 જણા બેસે છે. તેમ કહી બે, ત્રણ દિવસમાં પછી પાછું ફીટ કરી દઈશું તેવી ધરપત આપે છે.વાતચીતનો દોર આગળ ધપતા કર્મચારી કહે છે કે અરજદાર રજીસ્ટરના ફોટા પણ પાડી ગયા છે.