રાજકોટનાં બાળ સુરક્ષા વિભાગ દ્વારા પાકિસ્તાની બાળકને સુરક્ષિત રીતે તેના વતન મોકલવામાં આવ્યો છે. વર્ષ 2022માં પોરબંદરના નવી બંદર પોલીસ સ્ટેશન દ્વારા અન્ય ખલાસીઓ સાથે માછીમારી કરતા ભારતીય બોર્ડરમાં આવી ગયેલા પાકિસ્તાનના ખલાસીઓની ધરપકડ કરી હતી. તેઓની સાથે 14 વર્ષનું બાળક પણ મળી આવ્યું હતું. જોકે આ બાળક કાયદાના સંઘર્ષમાં આવેલું હોવાથી તેને સૌરાષ્ટ્રના એકમાત્ર રાજકોટના ઝોનલ ઓબ્ઝર્વેશન હોમમાં રાખવામા આવ્યું હતું. 2 વર્ષ અને 7 માસ સુધી અહીં રહેલો બાળ કિશોર શરૂઆતમાં ઉર્દૂ અને હિન્દી જ જાણતો હતો, પરંતુ અહીં રહી તે ગુજરાતી અને અંગ્રેજી શીખી ગયો અને ભારતીય યોગની તાલિમ મેળવી અન્ય બાળકોને યોગા શીખવતો હતો. તો ભારતીય તહેવારો પણ ઉજવતો હતો જોકે આ બાળકને અહીંથી જ્યારે વિદાય આપવામાં આવી તો તેની આંખોમાં અશ્રુ હતા. રાજકોટથી કોઈ બાળકને બોર્ડર પાર મૂકવામાં આવ્યું હોય તેવી 10 વર્ષ બાદની પ્રથમ ઘટના છે. જ્યારે અત્યાર સુધીમાં આ પ્રકારના 6 બાળકોને વતન મોકલવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, એક પાકિસ્તાની બાળક અન્ય ખલાસીઓ સાથે માછીમારી કરવા નીકળ્યો હતો અને ભૂલથી દરિયાઈ સીમા પાર કરી ભારત પહોંચી ગયો હતો. અહીં પોરબંદર મરીન ખાતે આ બાળક અન્ય ખલાસીઓ સાથે આવ્યો હતો, પરંતુ વર્ષ 2022માં આવેલું આ બાળક 14 વર્ષનો હોવાથી પોરબંદરના જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ દ્વારા રાજકોટના ન્યાયિક કસ્ટડીમાં ઝોનલ ઓબ્ઝર્વશન હોમમાં મોકલવામાં આવ્યો હતો.