દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ગુરુવારે પણ વરસાદનું જોર યથાવત રહ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ સરેરાશ કરતા 28 ટકા વધુ વરસાદ થઈ ચૂક્યો છે. જો કે ઉત્તર ગુજરાતમાં હજુ વરસાદની ઘટ છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ સંબંધિત અકસ્માતોને કારણે 8 લોકોના મોત નિપજ્યાં છે. હવામાન વિભાગે સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો માટે ઑરેન્જ એલર્ટ જારી કરીને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
છેલ્લાં 10 વર્ષમાં ગુજરાતમાં 428 વખત 8 ઇંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપેલા જવાબ મુજબ, એક દાયકામાં સૌથી વધુ વખત અતિ ભારે વરસાદ પડ્યો તેવા ટોપ-5 રાજ્યમાં ગુજરાત છે. ગુજરાતમાં 2019થી લઇ 2023 દરમિયાન કુલ 1115 વખત અતિભારે એટલે કે 4.5થી 8 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે. ઇન્ડિયન મેટિરિઓલોજીકલ ડિપાર્ટમેન્ટ મુજબ ભારે વરસાદની ત્રણ કેટેગરી છેઃ ભારે વરસાદ(2.5-4.5 ઇંચ), અતિભારે(4.5-8 ઇંચ) અને અત્યંત ભારે(8 કે વધુ ઇંચ). રાજ્યસભાના જવાબ મુજબ, 10 વર્ષમાં ગુજરાતમાં 2019માં સૌથી વધુ 75 વખત 8 ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબક્યો હતો. 2023માં ગુજરાતમાં 49 વખત અત્યંત ભારે વરસાદ અને 264 વખત કોઇને કોઇ વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડ્યો હતો. 2014થી 2023 દરમિયાન ઓડિશામાં સૌથી વધુ 608 વખત 8 ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબક્યો છે.