યોગ્ય દિશા અને યોગ્ય પ્રશિક્ષક મળી રહે તો ગમે તે વ્યક્તિ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. આવા જ કિસ્સામાં રાજકોટની બે મહિલાએ 10થી 40 વર્ષની વયના દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવાની ઝુંબેશ શરૂ કરી છે. નેહા ગૌતમ ઠાકરે 11 વર્ષ પહેલાં જાગૃતિ ગણાત્રા સાથે મળી સેતુ નામની સંસ્થા શરૂ કરી હતી. તેમનો ઉદ્દેશ દિવ્યાંગ લોકોને નવી દિશામાં લઇ આત્મનિર્ભર બનાવવાનો હતો.
શરૂઆતમાં દિવ્યાંગોની સંખ્યા નહીંવત હતી, પરંતુ બાદમાં સંસ્થા દ્વારા વાર તહેવાર મુજબની વિવિધ પ્રવૃત્તિ શરૂ કરતાં દિવ્યાંગોએ ઉત્સાહભેર કામ કરી જુસ્સો બતાવ્યો હતો. મનોદિવ્યાંગોએ જે રીતે પ્રવૃત્તિમય રહેતા જોઇ તેઓ આત્મનિર્ભર થઇ શકે તે માટે બજારમાંથી ઝીંઝરા, વટાણા, મગફળી લઇ આવી તે ફોલવાનું કામ શરૂ કરાવ્યું હતું. જે કામગીરીનું મહેનતાણું મળતું તે દિવ્યાંગોમાં સરખે ભાગે વહેંચી દેતા હતા. ત્યાર પછી નવરાત્રિમાં દીવડાં અને ગરબા બનાવવાનું, ગણપતિમાં માટીની મૂર્તિ બનાવી સુશોભન કરી વેચાણ કરતા હતા.
દિવ્યાંગોનું મનોબળ અને ઉત્સાહને ધ્યાને રાખી અલગ અલગ પ્રકારની રાખડીઓ બનાવવાનું ચાલુ કર્યું હતું. આમ સિઝન મુજબની દિવ્યાંગોની કામગીરી દિવસેને દિવસે વધવા લાગી હતી. ત્યારે શરૂઆતમાં મર્યાદિત રાખડીઓ બનાવતા હતા, પરંતુ આ વર્ષે રક્ષાબંધન પર બધા દિવ્યાંગોએ ભેગા મળી 8 હજાર જેટલી અલગ અલગ ડિઝાઇનની રાખડીઓ બનાવી છે. આ રાખડી રૂ.20થી 50 સુધીમાં વેચાણ કરી રહ્યા છે. દિવ્યાંગો દ્વારા વર્ષ દરમિયાન અલગ અલગ ચીજવસ્તુઓનું વેચાણ કર્યા બાદ જે નફો થયો હોય તે નફાની રકમ સંસ્થાના દિવ્યાંગોમાં સરખાભાગે વહેંચી દેવામાં આવે છે.