ખેતીપ્રધાન દેશ ભારતમાં 23મી ડિસેમ્બર રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે મનાવવામાં આવે છે. ભારતના પાંચમા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહનો જન્મ 23 ડિસેમ્બર, 1902ના રોજ થયો હતો. ચૌધરી ચરણસિંહ ખેડૂતોના ઉદ્ધારક તરીકે જાણીતા છે. આથી વર્ષ 2001થી ચૌધરી ચરણસિંહના માનમાં, તેમના જન્મદિવસ 23મી ડિસેમ્બરને રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે મનાવાઈ છે. મહત્ત્વનું છે કે, નજીકના ભવિષ્યમાં પ્રાકૃતિક ખેતીનું બજાર રૂ.10 લાખ કરોડના વૈશ્વિક બજારને આંબવા જઈ રહ્યું છે, ત્યારે ગુજરાતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા ગુજરાત સરકાર મિશન મોડમાં કામ કરી રહી છે. ગુજરાતમાં અત્યારે 9.70 લાખથી વધુ ખેડૂત 7.92 લાખથી વધુ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરીને ધરતીને નંદનવન બનાવી રહ્યા છે, રાજ્યનો પિયત વિસ્તાર આજે 62 લાખ હેક્ટર થયો છે, તો કૃષિ ઉત્પાદન પણ રૂપિયા 2.7 લાખ કરોડ સુધી પહોંચી રહ્યું છે.
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશના દરેક ખેડૂતને આગવી ઓળખ આપવા એગ્રિસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ‘ફાર્મર રજિસ્ટ્રી’ શરૂ કરવામાં આવી છે. જેમાં ખેડૂત ખાતેદારના લેન્ડ રેકર્ડને યુનિક આઈ.ડી. સાથે લિંક કરવામાં આવે છે. 15મી ઓક્ટોબરથી શરૂ થયેલી આ પ્રક્રિયામાં, ગુજરાતમાં પી.એમ. કિસાન યોજનાના 66 લાખ ખેડૂત લાભાર્થીને જોડવાનો લક્ષ્યાંક રખાયો છે. જેની સામે અત્યાર સુધીમાં રાજ્યના 22 લાખ ખેડૂત એટલે કે, 33 ટકાથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ થઈ ચૂકી છે. સમગ્ર દેશમાં ગુજરાતે સૌ પ્રથમ 25 ટકા નોંધણી પૂર્ણ કરતા, ભારત સરકાર તરફથી ગુજરાતને રૂ.82 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવામાં આવશે, જેનો ઉપયોગ ગુજરાતના વિવિધ ખેડૂત હિતલક્ષી પ્રોજેક્ટમાં થશે.