યુરોપમાં ગરમીમાં વધારો થતા નવી આફત સર્જાઈ છે. આ આફત લાલ કીડીઓની છે. અહીં અમેરિકા અને ચીનથી લાલ કીડીઓ આવી છે. ગરમીમાં વધારો થતા કીડીઓએ યુરોપને ઘર બનાવ્યું છે. ઇટલીમાં લાલ કીડીઓની 38 કોલોની મળી આવી છે. એવી આશંકા છે કે નજીકના ભવિષ્યમાં સમગ્ર યુરોપમાં લાલ કીડીઓ ફરી વળશે.
આ કીડીઓ સ્થાનિક વનસ્પતિ, પાકને ગંભીર નુકસાન પહોંચાડે છે. એટલું જ નહીં તે કારોને નુકસાન પહોંચાડે છે તથા કોમ્પ્યુટર સહિતના ઉપકરણોના વાયરિંગ કાપી નાખે છે. આ પ્રકારની કીડીઓને પાંચમી સૌથી વધુ તારાજી સર્જનાર પ્રજાતિ માનવામાં આવે છે. જ્યાં પણ તે કોલોની બનાવે છે ત્યાં આસપાસની વનસ્પતિ સૃષ્ટિ નષ્ટ કરી દે છે. તેની વસ્તીમાં પણ ઝડપથી વધારો થાય છે અને એકપછી એક નવી કોલોનીઓ બનાવે છે.
દર વર્ષે 45 હજાર કરોડનું નુકસાન: આ કીડીઓથી દર વર્ષે દક્ષિણ અમેરિકી દેશો, કેરેબિયન દેશો, ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં દર વર્ષે 45 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. માણસો દ્વારા આયાત-નિકાસ દરમિયાન તે એક દેશમાંથી બીજા દેશમાં પહોંચે છે.