તારીખ 8મી ડિસેમ્બર, ભારતમાં રાત્રિના લગભલ 12 વાગ્યા હતા. ત્યારે જ સમાચાર આવ્યા કે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ પોતાનો દેશ છોડીને પોતાના આખા પરિવાર સાથે રશિયા ભાગી ગયા છે.
27 નવેમ્બરના રોજ જ્યારે સીરિયન બળવાખોરોએ સીરિયાના બીજા સૌથી મોટા શહેર અલેપ્પો પર હુમલો કર્યો, ત્યારે અસદે ભાગ્યે જ વિચાર્યું હશે કે તેના શાસનની ગણતરી શરૂ થઈ ગઈ છે.
એક એક કરીને 11 દિવસમાં સીરિયામાં અસદ પરિવારને સત્તા પરથી હટાવવા પાછળ 42 વર્ષીય સુન્ની નેતા અબુ મોહમ્મદ અલ-જુલાની છે. જે વિશ્વના સૌથી ક્રૂર આતંકવાદીઓમાંથી એક અબુ બકર અલ બગદાદીનો લેફ્ટનન્ટ રહી ચૂક્યો છે.
તારીખ 26 જુલાઈ, વર્ષ-1956 ઇજિપ્તમાં રાષ્ટ્રપતિ ગમાલ અબ્દુલ નાસેરે સુએઝ કેનાલનું રાષ્ટ્રીયકરણ કર્યું. એશિયાને યુરોપ સાથે જોડતી આ કેનાલ અગાઉ બ્રિટનના કબજામાં હતી. આ નિર્ણયથી નાસર સમગ્ર વિશ્વમાં ખાસ કરીને આરબ દેશોમાં લોકપ્રિય બની ગયો.
તાજેતરમાં બ્રિટિશ સરકારના નિયંત્રણમાંથી આઝાદ થયેલા સીરિયામાં નાસરને હીરો તરીકે જોવામાં આવતો હતો. નાસીરનું સ્વપ્ન એક આરબ વર્લ્ડ બનાવવાનું હતું, જ્યાં દરેકની રાષ્ટ્રીયતા 'અરબ' હશે. આ પરિપૂર્ણ કરવા માટે તેણે ઇજિપ્ત અને સીરિયાને મર્જ કરીને એક જ દેશ બનાવવાની પહેલ કરી.
21 ફેબ્રુઆરી, 1958ના રોજ ઇજિપ્ત અને સીરિયા મળીને એક દેશ યુનાઇટેડ આરબ રિપબ્લિક (UAR) બન્યા, પરંતુ થોડા સમય પછી સીરિયાની બાથ પાર્ટી આ નિર્ણયની વિરુદ્ધ થઈ ગઈ, કારણ કે તેની સાથે જોડાયેલા નેતાઓને મહત્વપૂર્ણ હોદ્દા પરથી હટાવી દેવામાં આવ્યા હતા. 8 માર્ચ, 1961ના રોજ બાથ પાર્ટીએ સીરિયામાં બળવો કર્યો, જેના કારણે યુએઆર ફક્ત 3 વર્ષ સુધી ટકી શક્યું.