21 જૂનનો દિવસ સમગ્ર વિશ્વમાં ‘યોગ દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે ત્યારે આ વિશેષ દિવસ પર એક વ્યક્તિ વિશેષ વિશે આજે આપણે જાણીશું કે, જેણે 51 વર્ષની ઉંમરે પણ યોગને પોતાના જીવનનું અવિભાજ્ય અંગ બનાવી દીધું છે. છેલ્લા 9 વર્ષથી યોગ સાથે જોડાયેલી આ મહિલા ફક્ત 26 મિનિટમાં 216 સૂર્ય નમસ્કાર કરે છે. આ રુટિન તે ફક્ત એક દિવસ માટે અનુસરે છે એવુ નથી પરંતુ, દરરોજ પોતાની સવારની શરુઆત તે આ રુટિનથી જ કરે છે.
આજના દિવસને લઇને ગુજરાતના વડોદરા શહેરમાં રહેતા શ્વેતાબહેન પરીખએ જણાવ્યું હતું કે, હું નિયમિત છેલ્લા 9 વર્ષથી યોગ અભ્યાસ કરું છું અને વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે ઊઠીને સૂર્ય નમસ્કાર સાથે વિવિધ પ્રકારના આસનો, ધ્યાન, પ્રાણાયામ અને મંત્ર સાધનની પ્રેક્ટિસ નિયમિત કરું છું. જેના કારણે હું ખૂબ જ સ્વસ્થ અને તંદુરસ્ત છું. આજે મારી ઉંમર 51 વર્ષની છે.