મધ્ય એશિયાઈ દેશ તાજિકિસ્તાન કે જે અફઘાનિસ્તાન, ચીન, કીર્ગિસ્તાન અને ઉઝબેકિસ્તાનની સરહદોથી ઘેરાયેલો છે. તે કેટલાક સમયથી આતંકી ઘટનાઓેને લઈ આંતરરાષ્ટ્રીય દેખરેખ હેઠળ છે. રશિયાની રાજધાની મોસ્કોમાં માર્ચ 2024માં થયેલા આતંકી હુમલામાં તાજિક મૂળના 4 આંતકીઓની સંડોવણી બાદ સરકારે દેશમાં ઈસ્લામિક પહેરવેશ અને ઓળખને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે.
સરકારે હિજાબ અને દાઢી વધારવા સામે પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો છે. તેનો મુખ્ય હેતુ ધાર્મિક કટ્ટરપંથ પર લગામ લગાવવાનું બતાવી રહ્યા છે. નોંધનીય છે કે તાજિકિસ્તાન એક મુસ્લિમ બહુમતી દેશ છે. અહીંની 98% વસ્તી ઈસ્લામ ધર્મને માને છે. ત્રણ દાયકાથી સત્તામાં રહેલા સરમુખત્યાર પ્રમુખ ઈમોમાલી રહમોનનું માનવું છે કે ઈસ્લામની જાહેર ઓળખ પર લગામ લગાવાથી રૂઢિચુસ્ત ઈસ્લામને નબળો પાડવામાં મદદ મળશે. તેનાથી ઈસ્લામિક ઉગ્રવાદમાં ઘટાડો થશે. નવા કાયદા મુજબ દાઢી વધારવા સામે સરકારે જાહેર સ્થળે તેને કાપવાનો આદેશ જાહેર કર્યો છે.
આ માટે સરકારે મોરલ પોલીસ તહેનાત કરી છે. તેમજ કાયદાનું પાલન ન કરનારને એક લાખ રૂપિયાથી વધુનો દંડ અને કડક સજાનો આદેશ આપ્યો છે. જ્યાં દેશમાં સરેરાશ માસિક પગાર 15,000 રૂપિયાની આસપાસ છે ત્યાં આવા દંડની વ્યાપક ટીકા થઈ રહી છે.
રાજધાની દુશામ્બાની એક શિક્ષિકા નિલોફર (27 વર્ષ) કહેવા મુજબ પોલીસે તાજેતરમાં ત્રણ વખત તેમને હિજાબ ઉતારવા માટે રોકી હતી. જ્યારે તેણીએ ઈનકાર કર્યો તો આખી રાત પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખી હતી. તેના પતિ પણ એક વખત દાઢી કપાવવા સામે મનાઈ કરતાં પાંચ દિવસ જેલમાં જઈને આવ્યા. આખરે નિલોફરે તેની કરિયરને લઈ હિજાબ પહેરવાનું બંધ કરી દીધું.