ડુંગળીની વધતી કિંમતોથી ગ્રાહકોને રાહત આપવા માટે, સરકાર હવે આ સપ્તાહના અંતથી દિલ્હી-એનસીઆરમાં મધર ડેરી સફલ આઉટલેટ્સ પર ₹25 પ્રતિ કિલોના દરે ડુંગળી વેચશે. નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NCCF અને NAFED પહેલેથી જ ₹25 પ્રતિ કિલોના દરે બફર ડુંગળી વેચી રહ્યાં છે.
NCCF 20 રાજ્યોના 54 શહેરોમાં 457 રિટેલ સ્ટોર્સ પર સબસિડીવાળા દરે ડુંગળી વેચી રહી છે. જ્યારે નાફેડ 21 રાજ્યોના 55 શહેરોમાં 329 રિટેલ સ્ટોર્સ પર રાહત દરે ડુંગળી વેચી રહી છે. કેન્દ્રીય ભંડારે શુક્રવારથી દિલ્હી-એનસીઆરમાં તેના આઉટલેટ્સ પરથી ડુંગળીનું છૂટક વેચાણ શરૂ કર્યું છે.
તેલંગાણા અને દક્ષિણના રાજ્યોમાં પણ 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચાઈ રહી છે
આ સિવાય હૈદરાબાદ એગ્રીકલ્ચર કોઓપરેટિવ એસોસિએશને પણ તેલંગાણા અને અન્ય દક્ષિણી રાજ્યોમાં રાહત દરે (₹25 પ્રતિ કિલો) ડુંગળી વેચવાની જાહેરાત કરી છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે એક નોટિફિકેશન દ્વારા આ જાણકારી આપી છે.