મંગળવારે લેબેનાનની રાજધાની બેરૂતમાં ઇઝરાયલના હુમલામાં હિઝબુલ્લાહ મિસાઇલ કમાન્ડર ઇબ્રાહિમ કુબૈસી માર્યો ગયો હતો. આ સિવાય 5 અન્ય લોકોના પણ મોત થયા છે. ઇઝરાયલ છેલ્લા 5 દિવસથી લેબેનાન પર સતત હુમલો કરી રહ્યું છે. આ સાથે લેબેનાનમાં 2 દિવસમાં મૃત્યુઆંક વધીને 564 થઈ ગયો છે.
તે જ સમયે, હિઝબુલ્લાહએ ગઈકાલે રાત્રે ઇઝરાયલમાં 8 સ્થળોને મિસાઇલથી નિશાન બનાવવાનો દાવો પણ કર્યો છે. ઇઝરાયલના જણાવ્યા અનુસાર હિઝબુલ્લાહ દ્વારા 55 રોકેટ છોડવામાં આવ્યા હતા.
આ પહેલા સોમવારે, ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) એ લેબનોનમાં હિઝબુલ્લાહના 1600 સ્થાનોને નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો હતો. જેમાં 10 હજાર રોકેટ નષ્ટ થયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તે જ સમયે, લેબેનાનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, આ હુમલામાં અત્યાર સુધીમાં 558 લોકોના મોત થયા છે. તેમાંથી 94 મહિલાઓ અને 50 બાળકો છે. 1,835 લોકો ઘાયલ પણ થયા છે.
અલ જઝીરા અનુસાર, 2006માં ઇઝરાયલ-લેબેનાન યુદ્ધ બાદ લેબેનાન પર આ સૌથી મોટો હુમલો છે. 2006માં, એક મહિના સુધી ચાલેલી લડાઈમાં 1,000 લેબેનીઝ લોકો માર્યા ગયા હતા. હાલમાં લેબેનાનમાં 25 સપ્ટેમ્બર બુધવાર સુધી શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે. લોકોને સલામત સ્થળે મોકલવામાં આવ્યા છે.