અમદાવાદ પોલીસના હાથે ઝડપાયેલા અને બાદમાં મોતને ભેટેલા તાંત્રિકે 12 હત્યાઓ કરી હોવાની કબૂલાત કરી હતી. જેમાં ત્રણ હત્યા પોતાની પ્રેમિકાના માતા-પિતા અને ભાઈની રાજકોટમાં કરી હોવાની કબૂલાત કરી હતી. જે મામલે તાંત્રિક અને તેના સાગરિત સામે રાજકોટમાં ગુનો નોંધાયા બાદ પોલીસે સાગરિતનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે. ત્રણેયની હત્યા કર્યા બાદ બનાવને આત્મહત્યામાં ખપાવવા માટે તાંત્રિકે જાતે જ સુસાઈડ નોટ લખી ત્યાં મૂકી દીધી હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલ જેનો કબજો લીધો છે તે જીગર પણ તાંત્રિકના નિશાના પર હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદના સિરિયલ કિલર તાંત્રિકે તેની પ્રેમિકાની હત્યા કરીને વાંકાનેર નજીક જમીનમાં ખાડો ખોદીને તેના શરીરના કટકા કરીને લાશને દાટી દીધા બાદ પ્રેમિકાના માતા-પિતા અવારનવાર દીકરી બાબતે પૂછતાં તેમને તંત્રી વિધિના બહાને બોલાવી નવલસિંહે નગ્માના માતા પિતા અને ભાઈને ઝેરી દવા પાઈ હત્યા નિપજાવી હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી આરોપી જીગરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યાની ઘટના અંગે જીગર પણ વાકેફ હોય જેથી સહઆરોપી તરીકે પણ તેની ભૂમિકા હોવાથી તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જયારે મૃતક પરિવાર પાસેથી મળી આવેલ સ્યુસાઇડ નોટ અંગે પુછપરછ કરતા તાંત્રિકે પોતે ચોટીલા પાસેથી કાગળ લઇ અને જાતે ખોટી સ્યુસાઇડ નોટ લખી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે જીગરના રિમાન્ડ મેળવવા માટે તપાસ તજવીજ હાથ ધરી છે.