હિઝબુલ્લાહના નેતા હસન નસરલ્લાહના મોતને લઈ અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. હવે એવો પણ એક ખુલાસો થયો છે કે ઈઝરાયલે સમગ્ર લેબનોનના 50 લાખ લોકોના ડેટા એકત્ર કર્યા છે. આ કાર્ય માટે લગભગ 15 વર્ષ લાગ્યાં. દાવા મુજબ ઈઝરાયલે લેબનોનમાં દરેક એપાર્ટમેન્ટમાં રહેતી પ્રત્યેક વ્યક્તિની બારીકાઈથી દેખરેખ રાખી હતી. આ માટે ઇઝરાયલે સમગ્ર દેશને 400 ચોરસ મીટરના નાના સંશોધન સ્ક્વેરમાં વહેંચી દીધો હતો. ટ્રેકિંગ કેમેરા, વોઈસ ડિટેક્શન ફીચર્સ, ડ્રોન અને ઈન્ટરનેટ હેકિંગ જેવી ટેક્નોલોજી અને સ્થાનિક અને વિદેશી જાસૂસોના નેટવર્કની મદદથી માહિતી એકત્રિત કરી હતી. તમામ રહેવાસીઓની ‘જરૂરિયાતો’ની પણ નોંધ લેવાઈ હતી. તેઓ ક્યાં જાય છે, ક્યાં જમે છે, પીએ છે. શું તેઓ ડિલિવરીનો ઓર્ડર આપે છે, તેઓ ક્યાં કામ કરે છે, તેમની મુસાફરીની પેટર્ન કેવી છે, તેમનાં બાળકોને શાળામાં કેવી રીતે લઈ જાય છે, તેઓ તેમનાં ઈલેક્ટ્રોનિક ઉપકરણો ક્યાંથી ખરીદે છે વગેરે હરકતોની દેખરેખ રાખી હતી. ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદ, શબાક અને આર્મી યુનિટ 8200એ પણ હિઝબુલ્લાના ચીફ નસરલ્લાહનો ડેટા એકત્ર કર્યો હતો અને ત્યારબાદ એફ-15 જેટથી મિસાઇલ છોડાવી હતી.