નવરાત્રિના પાવન પર્વ પર માતાજીની આરાધન કરવા શહેરીજનો સજ્જ થયા છે. તા.3ને ગુરુવારે પ્રથમ નોરતાંથી જ શહેરીજનો ગરબે ઘૂમશે ત્યારે પોલીસ પણ આ પાવન પર્વને કોઇ કાળી ટીલી લગાડે નહીં તે માટે સક્રિય બની છે. બુધવારે રાત્રે જ પોલીસે શહેરની હોટેલ, કાફે, કપલ બોક્સ સહિતના સ્થળે તપાસ કરી હતી તો રેસકોર્સ રિંગ રોડ પર સઘન વાહન ચેકિંગ કરાયું હતું. ગરબાના ગ્રાઉન્ડમાં પણ કોઇ યુવતીની છેડતી ન થાય તે માટે મહિલા પોલીસની સખત વોચ રહેશે.
ક્રાઇમ બ્રાંચ અને એસઓજીના કર્મચારીઓની અલગ અલગ 10 ટીમ બનાવવામાં આવી હતી. બુધવારે સાંજથી શહેરની અલગ અલગ હોટેલ, રેસ્ટોરન્ટ, કપલ બોક્સ, કાફે સહિતના સ્થળે તપાસ કરવામાં આવી હતી. જોકે કંઇ શંકાસ્પદ તેમાંથી મળ્યું નહોતું. બીજીબાજું ડીસીપી પૂજા યાદવે જણાવ્યું હતું કે, અર્વાચીન ગરબાઓમાં ટ્રેડિશનલ અને ખાનગી ડ્રેસમાં રહેશે. કોઇ ટપોરી યુવતીની છેડતી કરશે કડક કાર્યવાહી કરાશે. છેડતીના કિસ્સામાં 181ની મદદ લઈ શકાશે.