દેશમાં જાન્યુઆરી દરમિયાન ગોલ્ડ ઇટીએફની ચમક યથાવત્ રહેતા ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETFs)માં રૂ.657 કરોડનું રોકાણ નોંધાયું હતું, જેમાં ગત મહિના કરતાં સાત ગણો ઉછાળો જોવા મળ્યો હતો. નિષ્ણાંતોના મતે ભૌગોલિક રાજકીય તણાવ અને યુએસમાં ઉચ્ચ ફુગાવા વચ્ચે પણ સેફ હેવન તરીકે સોનાનું આકર્ષણ યથાવત્ રહેશે.
ગોલ્ડ ઇટીએફમાં જાન્યુઆરીમાં જંગી રોકાણને પરિણામે ગોલ્ડ ફંડ્સની AUM (એસેટ અંડર મેનેજમેન્ટ) 1.6% વધીને રૂ.27,778 કરોડ નોંધાઇ છે જે ડિસેમ્બરના અંતે રૂ.27,336 કરોડ હતી તેવું એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાએ જણાવ્યું હતું.
ગત મહિને ગોલ્ડ ઇટીએફમાં રૂ.88.3 કરોડનું રોકાણ નોંધાયું હતું. તાતા ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ જેની મારફતે રૂ.6 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા તેનાથી પણ ગ્રોથ શક્ય બન્યો હતો. મોર્નિંગસ્ટાર ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ઇન્ડિયાના એનાલિસ્ટ મેલવિન સાંતારિટાએ જણાવ્યું હતું કે અત્યારે જોવા મળી રહેલા ભૌગોલિક રાજકીય તણાવ અને યુએસમાં અંદાજ કરતાં વધુ ફુગાવા છતાં સેફ હેવન તરીકે સોનાનું આકર્ષણ આગામી સમયમાં યથાવત્ રહેશે.
ડિસેમ્બર 2023માં યુએસ ડોલર ટર્મ્સમાં સોનાની કિંમત $2,100ની આસપાસની નવી ઊંચાઇએ પહોંચી હતી પરંતુ ત્યારથી તેમાં ધીમે ધીમે ઘટાડો થઇ રહ્યો છે. રૂપિયાની ટર્મમાં, ગત વર્ષે સોનાનું પ્રદર્શન સારું રહ્યું છે.