ચીનમાં હવે ઇલેક્ટ્રિક કાર દ્વારા જાસૂસી થતી હોવાના દાવા કરાયા છે. તાજેતરના સમયમાં બનેલી કેટલીક ઘટનાઓમાંથી પણ આવા સંકેતો મળ્યા છે. આઈટી અને સાઈબર નિષ્ણાતોનું કહેવું છે કે એઆઈ અને આધુનિક ઈલેક્ટ્રોનિક સાધનોથી સજ્જ હાઈબ્રિડ અને ઈલેક્ટ્રિક કારમાંથી જાસૂસીનો ખતરો પહેલાં કરતાં વધારે છે કારણ કે તેને રિમોટથી કંટ્રોલ કરી શકાય છે.
સાઈબર સિક્યોરિટી એક્સપર્ટ્સનું કહેવું છે કે અમેરિકા અને તેના સહયોગી દેશો માટે ચીની ઉપકરણોના ઉપયોગ સાથે સંકળાયેલાં જોખમોને નકારી શકાય નહીં. ચીનમાં કંપનીઓએ ત્યાંના રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ ડેટા સોંપવો જરૂરી છે, જે જાસૂસીનું જોખમ વધારે છે. આ કારણે અમેરિકા બાદ બ્રિટન પણ ચીની ઉપકરણો પર પ્રતિબંધ લગાવવાનું વિચારી રહ્યું છે.
બાઈડેન પ્રશાસને ચીનનાં ઉપકરણો પર પ્રતિબંધ લગાવવાની યોજના બનાવી છે કારણ કે આ પ્રકારનાં વાહનોનું નિયંત્રણ દુશ્મન દેશ દૂરથી પણ કરી શકશે. કારણ આ ગાડીઓ કેમેરા, માઈક્રોફોન, જીપીએસ ટ્રેકિંગ જેવી ટેક્નોલોજીથી સજ્જ છે અને ઈન્ટરનેટ સાથે જોડાયેલી છે. બાઈડેન વહીવટીતંત્રના વાણિજ્ય સચિવ જીના રાયમોન્ડોનું કહેવું છે કે જરા વિચારો કે કેવી રીતે દુશ્મન દેશો ડેટાનો ઉપયોગ આપણી રાષ્ટ્રીય સુરક્ષા અને લોકોની ગોપનીયતાને જોખમમાં મૂકવા માટે કરી શકે છે.